અમદાવાદીઓમાં લોકજાગૃતિનાં દર્શન: સોસાયટી-ફલેટમાં મહેમાનો-ફેરિયાઓને ‘નો એન્ટ્રી’

Corona Latest

કોરોનાના વધતાં કેરને પગલે હવે અમદાવાદીઓમાં લોકડાઉન દરમિયાન લોકજાગૃતિના દર્શન જોવા મળી રહ્યાં છે. હવે શહેરની સોસાયટી-ફલેટમાં મહેમાનો પર પ્રતિબંધ મૂકાયો છે.એટલુ જ નહીં, ફેરિયા-લારીવાળાઓ માટે ય પ્રવેશ બંધ કરાયો છે. સોસાયટી-ફલેટના ચેરમેનોએ સભ્યોને કડક તાકીદ કરાઇ છેકે,જો નિયમોનો ભંગ કરાશે તો દંડ લેવાશે.આમ,હગે કોરોના વધશે તેવી દહેશતને પગલે લોકો જ જાગૃત થઇ રહ્યાં છે.

અમેરિકા,ઇરાન,ઇટલી સહિતના દેશોમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે.ગુજરાતમાં ય કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યાં છે.કોરોનાના સંક્રમણને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ અઠવાડિયા સુધી ઘરમાં જ રહેવા દેશવાસીઓને અપીલ કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં તો કેટલાંય વિસ્તારોમાં લોકોની જાગૃતતા નજરે પડી છે.

પશ્ચિમ વિસ્તારના કેટલાંય ફલેટ-સોસાયટીમાં તો બોર્ડ લાગ્યાં છેકે, બહારની વ્યક્તિએ સોસાયટી-ફલેટમાં આવવું નહીં. ફલેટ-સોસાયટીના રહીશોને ય અત્યારની સ્થિતીને જોતાં મહેમાનો-બહારની વ્યક્તિને ન બોલાવવા કડક તાકીદ કરાવાઇ છે.

શાકભાજીથી માંડીને વિવિધ ચીજવસ્તુઓ લઇને આવતાં ફેરિયાઓને ય હવે  પ્રવેશ અપાતો નથી. એટલુ જ નહીં, સોસાયટી-ફલેટના રહીશોને ય સવાર અને સાંજ સિવાયના સમયે ઘરની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. સોસાયટી-ફલેટના દરવાજે સિક્યુરિટી ગાર્ડ જ રહીશોને સેનેટાઇઝર્સ લગાવ્યા બાદ પ્રવેશ આપી રહ્યાં છે.બહાર જતાં રહીશોને માસ્ક પણ આપી રહ્યાં છે.સોસાયટીમાં માસ્ક-સેનેટાઇઝર્સનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર ઉપાય છે ત્યારે હવે જાગૃત લોકોએ જ સરકારના આદેશોનુ કડક પાલન કરાવવાનુ શરૂ કર્યુ છે અને જનજાગૃતિના દર્શન કરાવ્યાં છે. ઘણી સોસાયટીમાં લોકોને કોરોના રોગ વિશે ય માહિતી આપવાનું શરૂ કરાયુ છે જેથી લોકો આ રોગ વિશેની ગંભીરતનો ખ્યાલ આવે. હજુય કેટલાંય વિસ્તારોમાં તો લોકો લોકડાઉનનો ભંગ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.કેટલાંય વિસ્તારોમાં ભીડ જોવા મળી રહી છે જેને લઇને જાગૃત લોકો ચિતાતુર બન્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *