રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ નર્મદા સુગરની ચુંટણી યોજવા એક તરફ સત્તાધારી જૂથ કમર કસી રહ્યું છે તો બીજી બાજુ કોરોના મહામારીને લઈને હરીફ જૂથ ચૂંટણી પાછી ઠેલવા રજૂઆતો કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે સહકારી મંડળીઓની ચુંટણીનો મામલો જે તે જિલ્લા કલેક્ટરોને સોંપ્યો છે, ચૂંટણી યોજવા મંડળીઓએ હવે જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે.નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, સત્તા અને હરીફ જૂથ ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની વટારીયા ગણેશ સુગર મિલની ચૂંટણી આગામી ઓક્ટોબર 2020 સુધી ન યોજવા ભરૂચ જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે.આ જોતા નર્મદા જિલ્લા કલેકટર પણ નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી પાછી ઠેલસે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કોરોના મહામારીને લીધે અનલોકની છૂટછાટ છે, પણ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો, રેલીઓ પર પ્રતિબંધિત છે તથા લગ્ન સમારંભો પણ સીમિત લોકોની હાજરીમાં યોજવા સરકારે હુકમ કર્યો છે.એવા સંજોગોમાં નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી યોજવા સત્તાધીશો મથી રહ્યા છે તો બીજી બાજુ હરીફ જૂથ કોરોનાના સંભવિત સંક્રમણને પગલે ચૂંટણી પાછી ઠેલવા રજૂઆતો કરી રહ્યા છે.હવે ચૂંટણી યોજવા અને પાછી ઠેલવા પાછળનું શુ રાજકારણ હોઈ શકે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.અગાઉ ૧૪૪ નું જાહેરનામું લાગુ હોવા છતાં નર્મદા સુગરના સંચાલકોએ ચુંટણી જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું, જે ચૂંટણી કલેકટર નર્મદાના હુકમથી મુલતવી રાખવામાં આવી હતી.તો ભરૂચ જિલ્લા કલેકટરના નિર્ણયને ધ્યાને રાખી ફરી હરીફ જૂથના સભ્યોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.જેમાં જણાવ્યું છે કે હાલ પ્રજાના આરોગ્યના હીતમાં ચૂંટણી હિતાવહ નથી.અગાઉની છૂટછાટમાં પણ નર્મદા સુગરની મેટર હાઈકોર્ટમાં સબ જ્યુડિશ હોવાથી છૂટ અપાઈ નહોતી.ત્યારે નવા પરિપત્ર બાદ ભરૂચ નર્મદાના ૬૦૨ ગામો અને ૨૩૦૦૦ ખેડૂતોને અસર કરતી ચૂંટણી યોજવા નર્મદા કલેક્ટર મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું.
નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી બે સહકારી આગેવાનો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
ગત વર્ષે યોજાયેલી નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની ચૂંટણીમાં જિલ્લાના સહકારી આગેવાન અને સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સુનિલ પટેલ સામે નજીવા માર્જિનથી જીત્યા હતા.જે તે સમયે ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી.જો કે આ વખતે સુગર ફેકટરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પોતાની બેઠક બદલી છે હવે ૨૫ વર્ષના સારા વહીવટમાં બેઠક બદલવાનું શુ કારણ હોઈ શકે એ મોટો પ્રશ્ન છે.નર્મદા ધારીખેડા સુગરની આ વખતની ચૂંટણી ઘનશ્યામભાઈ પટેલ અને સુનિલ પટેલ વચ્ચે સામ સામે ચૂંટણી જંગ તો જામશે નહિ પણ નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી જીતવી જિલ્લાના બન્નેવ સહકારી આગેવાનો માટે શાખનો પ્રશ્ન બની ગયો છે.નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીનો મામલો છે હાઇકોર્ટેમાં જે લોકોએ નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીમાં શેરડી આપી હોય એ જ સભાસદો મતદાન કરી શકે એવો નિયમ વખતની ચૂંટણીમાં છે, તો બીજી બાજુ ગત વર્ષે ઝોન વાઇઝ યોજાયેલી ચૂંટણી આ વખતે ઝોન વાઇઝ નહિ યોજાઈ.તો આ બન્નેવ બાબતને જાગૃત સભાસદે હાઇકોર્ટમાં પડકારી છે.હરીફ જૂથનું એમ કહેવું છે કે સુગર ફેકટરીના દરેક સભાસદને મતદાન કરવાનો હક છે.ગત વખતની જેમ ઝોન વાઇઝ ચૂંટણી થવી જોઈએ.