કોરોના વાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા લાૅકડાઉનમાં પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા 41 જણા સામે ગુુના નોંધાયા હતા, જ્યારે જિલ્લા પોલીસે પણ પોરમાં 4 જણા સામે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા. પોલીસે ઇન્દિરા બ્રિજ, નાગરવાડા, તુલસીવાડી અને નવી ધરતીના નાકે ટોળે વળી ગપ્પાં મારનારા 22 જણાને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો, જ્યારે વાડીમાં પણ 5 જણા સામે ગુનો નોંધાયો હતો. મકરપુરામાં કામ વગર નીકળનારા લોકો સામે પણ ગુનો નોંધી તેમનાં વાહન જપ્ત કર્યાં હતાં. પોલીસની કડકાઇના કારણે સવારથી જ શહેરના રસ્તા સૂમસામ ભાસી રહ્યા હતા.
શહેરમાં લૉકડાઉનના પગલે પોલીસે કડક નાકાબંધી કરીને કામ વગર બહાર નીકળનારા સામે કડક કાર્યવાહી કરી હતી, જેમાં 190 વાહનો ડિટેઇન કરીને વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઝોન-1 વિસ્તારમાં પોલીસે 33 વાહન ચાલકો, ઝોન-2 વિસ્તારમાં 13 વાહન ચાલકો, ઝોન-3 વિસ્તારમાં 35 વાહન ચાલકો તથા ઝોન-4 વિસ્તારમાં 20 વાહન ચાલકો, જ્યારે ટ્રાફિક પોલીસે અલગ-અલગ વિસ્તારમાં 89 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી તેમનાં વાહન ડિટેઇન કર્યાં હતાં અને તેમની પાસેથી 17,100 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. જિલ્લા પોલીસે વડોદરા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ટેક્સી અને મેક્સી પાસિંગનાં વાહનો પર પણ પ્રતિબંધ હોવાથી ગેરકાયદે મુસાફરોનું પરિવહન કરનારાં 50થી વધુ વાહનો જપ્ત કરાયા હતા.