રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૌના કલ્યાણની મુખ્યમંત્રીએ કરી પ્રાર્થના
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૌના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રીએ ધ્વજાના દર્શન કરી દેવાધીદેવ સોમનાથ ભગવાનને સૈાના કલ્યાણ માટે પ્રાર્થના કરી પત્રકારો સાથે સંવાદ કરતા કહયુ કે, લોકડાઉન બાદ મંદિરો ખુલતા દર્શન પુજા કરવા આવવાની ઇચ્છા હતી જે આજે પુરી થઇ છે. સાથે-સાથે સોમનાથ દાદા સૌની રક્ષા કરે અને ગુજરાત વહેલી તકે કોરોના મૂકત બનશે તવી શ્રધ્ધા વ્યકત કરી હતી. કોરોનાના કેસ વધી રહયા છે, ત્યારે સર્વેલન્સ લોકોના ઘરે ઘરે જઇ દવા આપવી સહિતના ઘનીષ્ઠ આરોગ્ય વિષયક પગલા લેવા ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય સત્તાવાળાઓને સ્પષ્ટ સુચના આપવા સાથે વિશેષ તકેદારી લેવા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીના સોમનાથ દર્શન પૂજનમાં સાસંદ રાજેશભાઇ ચુડાસમા, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, અંજલીબેન રૂપાણી, અને પરિવારજનો, અગ્રણી નીતીનભાઇ ભારદ્રાજ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહભાગી થયા હતા. મંદીરના મુખ્ય પૂજારી ધનંજય દવેએ સાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાપુજા કરાવી હતી.
મુખ્યમંત્રીએ સૌ પ્રથમ ભગવાન ગણેશજીના અને હનુમાનજીના દર્શન કર્યા હતા. આ તકે જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી. મનીન્દરસીંઘ પવાર, જિલ્લા કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.