પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ કોરોનાની મહામારીના વ્યાપને વધતો રોકવા રવિવારના રોજ અભૂતપૂર્વ જનતા કરફ્યુ બાદ ગોધરામાં લોકોએ શેરીઓમાં રેલીઓ કાઢી, ગરબા રમીને દિવસભરની મહેનત ધૂળધાણી કરી નાખી હતી. ગોધરામાં પોલીસ દ્વારા લોક ડાઉનના ભાગરૃપે સઘન ચેકીંગ શરૃ કરવાની સાથે સવારથી જ શહેરના માર્ગો ઉપર બેરીકેટીંગ કરી અવર જવર કરતાં તમામની પૂછપરછ શરૃ કરી હતી.
ગોધરામાં પોલીસની સૂચના છતાં લોકો બહાર આંટા મારી રહ્યા છે .કોરોના અંગે અત્યારે પુરતી કાળજી નહીં લેવાય તો આવતીકાલે ઘણું મોડું થઇ જશે. તેવી ચેતવણી કડક રીતે આ ક્ષેત્રના નિષ્ણાતો ઉચ્ચારી રહ્યાં છે. લોકડાઉન જાહેર કર્યા બાદ લોકો ટોળાટપ્પાં કરવા અને ખૂણેખાંચરે પાનના ગલ્લાં ખુલ્લા હોય તો પડિકીઓ શોધવા નીકળી પડે છે.આજે સવારે લોકો રોડ પર વધુ સંખ્યામાં દેખાતા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું .
શાકભાજી સહીતની આવશ્યક ચીજવસ્તુઓ દરરોજ મળી રહેવાની સરકાર ની જાહેરાત હોવા છતાં શહેરના જહુરપુરા શાકમાર્કેટમાં લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા .લોકોના ટોળા મોટી સંખ્યામાં એકત્રિત થતા જીલ્લા પોલીસવડા સહીત પોલીસનો મોટો કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો .માર્કેટ બંધ કરાવવાની સાથે સમજાવવાની ફરજ પડી હતી. શિસ્તનું પાલન કરો, કોરોનાથી બચો આ સીધી સાદી વાત પણ લોકો સમજવા તૈયાર નથી. ૧૦૦ ટકા શિસ્ત પળાય તો જ તેનું પરિણામ આવવાનું છે, ૧ ટકો બેદરકારી પણ કોરોનાને ઘરમાં ઘુસવાની જગ્યા કરી આપશે. કેટલાંક નાગરિકો સમજવા તૈયાર નથી જેને લઈ તંત્ર તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાની ફરજ પડે છે. તમને બચાવવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે
તંત્રના અધિકારીઓ પાસે લોકોને બહુ મોટી આશા છે. ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ અને મીડિયા ખડેપગે તેમની ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે જો લોકો તેમાં સ્વયંશિસ્ત પાળીને સહયોગ નહીં આપે તો, રોગચાળાનો ભરડો ભયાનક પુરવાર થશે તે કડવું સત્ય સૌએ સ્વીકારવું જોઇએ.
બીજી તરફ લોકડાઉન દરમ્યાન લાંબા સમય સુધી ફરજ તૈનાત પોલીસ જવાનો માટે ગોધરાના એક જાગૃત હોટલ સંચાલકે ચ્હા ,નાસ્તાની વ્યવસ્થા પુરી પાડી જરૃરી સહયોગ પુરો પાડયો હતો.