દુબઇથી ગાંધીનગર આવેલા 26 વર્ષિય ઉમંગ પટેલ હોમ કોરન્ટાઇન નહીં રહેવાને કારણે કોરોના પોઝિટિવનો આંકડો ગાંધીનગરમાં વધી જરહ્યો છે. સે-29નો આ યુવાન પોઝિટિવ આવ્યા બાદ તેની પત્નિ અને દાદી બીજા દિવસે કોરોનામાં સપડાયા હતો તો ત્યાર બાદ તેના પિતાએ ટેસ્ટ કરાવતા તેમનો રીપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ પોઝિટિવ યુવાનના સંપર્કમાં આવેલા અને સેક્ટર-23માં રહેતા તેના ફઇ તથા ફુવાનો પણ ટેસ્ટ કરાવતા તે આજે પોઝિટિવ આવ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ કોરોનાની ગાઇડલાઇનનો યોગ્ય અમલ નહીં થવાને કારણે એક જ પરિવારના છ કેસ પ્રકાશમાં આવ્યા છે. તા.17મીએ દુબઇથી ગાંધીનગર પરત ફરેલા સે-29ના ઉમંગ પટેલે પોતે વિદેશથી પરત ફર્યા હોવા અંગે કોઇ મેસેજ આપ્યો ન હતો અને બીજીબાજુ તેની તબીયત બગડતી જતી હતી તેમ છતા તે નગરમાં આમથી તેમ ફર્યો હતો. આખરે તે અમદાવાદ સિવિલમાં દાખલ થયો હતો અને ત્યાં ટેસ્ટ કરાવતા શનિવારે તે પોઝિટિવ આપ્યો હતો.
તો તેની સાથે દુબઇ ગયેલી તેની પત્નિ અને તેના ઘરમાં રહેતી 80 વર્ષિય દાદી પણ બીજા દિવસે પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ કોરન્ટાઇન રહેલા ઉમંગના પિતાએ પણ ગાંધીનગર સિવિલમાં જઇને પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા ગઇકાલ સુધી એક જ પરિવારના ચાર કેસ પોઝિટિવ હતા.
ઉમંગ અને તેની પત્નિના સંપર્કમાં આવેલા સે-23માં રહેતા 50 વર્ષથી વધુ વયના ફોઇ અને ફુવાને પણ તાવ સહિતની ઘણી તકલીફો હતી જેના પગલે તેમને ગાંધીનગર સિવિલના આયસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે આજે પોઝિટિવ આવ્યા છે. આ સાથે ગાંધીનગરમાં એક જ પરિવારના છ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે ત્યારે આ સે-23 સ્થિત ફોઇ અને ફુવાના સંપર્કમાં આવેલા કોન્ટેક્ટ પર્સનને પણ કોરન્ટાઇન કરાઇ રહ્યાં છે.