કોરોના વાયરસને મ્હાત આપવા ખેડા જિલ્લાવાસીઓ સાબદા બન્યા છે. મંગળવાર સવારે નગરજનોને રૂટીન જરુરી ચીજવસ્તુઓ માટે ઘર બહાર નીકળવાની સામાન્ય છુટ આપવામાં આવી હતી.જો કે બીજી તરફ પોલીસ કર્મચારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. ઠેર ઠેર પોલીસે ટોળે વળતા લોકોને સમજાવી ઘરે પરત મોકલ્યા હતા . અને બપોર બાદ જીવનજરૂરીયાત ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ કરાવી હતી.જિલ્લામાં ગત્ રાતથી તંત્ર દ્વારા લાગુ કરાયેલ ૧૪૪ કલમનો ભંગ કરનાર કુલ-૬ વ્યક્તિઓ વિરુધ્દ કાર્યવાહી કરવામાં આવી છે.બપોર બાદ સમગ્ર જિલ્લામાં કરફ્યુ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.ત્યારે જનતા કર્ફયુ ના માત્ર ત્રીજા દિવસે મંગળવારની સવારે જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ માટે બજારો ખુલ્યા હતા.જિલ્લાના વડા મથક નડિયાદ સહિત તાલુકાઓના મુખ્ય માર્ગો ઉપર લોકોની ચહલ-પહલ જોવા મળી હતી. પરંતુ શહેરીજનોમાં કોરોના વાયરસનો ફફડાટ પણ જોવા મળ્યો હતો.મોટા ભાગના લોકો મોઢે માસ્ક લગાવી ખરીદી કરતા નજરે ચઢયા હતા.
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ સહિત,યાત્રાધામ ડાકોર,કઠલાલ, સેવાલિયા,ઠાસરા અને મહેમદાવાદ સહિતના તાલુકાઓમાં દુકાનો બંધ રહી હતી.આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવા પાલિકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવીી છે.સ્થાનિક લોકોને કામ સિવાય ઘર બહાર ન નિકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ગત્ રાત થી જિલ્લામાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે.જેથી પોલીસ કર્મચારીઓ દ્વારા બહાર નિકળતા લોકો પર કડક હાથે કામ કરવામાં આવી રહ્યુ છે.જિલ્લામાં ગતરોજ કુલ-૬ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવારની સવારે નડિયાદ સહિત તાલુકાના મોટા ભાગના વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે.જો કે જીવનજરૂરીયાત ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહી હતી.
મંગળવારના બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ ખરીદવા માટે તંત્ર દ્વારા લોકોને છુટ આપવામાં આવી હતી.જ્યારે કેટલાક વિસ્તારોમાં ૧૪૪મી કલમનો સરેઆમ ભંગ થતો નજરે ચઢયો હતો.પોલીસ કર્મચારી અને પાલિકા તંત્ર દ્વારા સતત લોકો પર મોનીટરીંગ થઇ રહ્યું હતું. આ ઉપરાંત ઘરની બહાર નિકળતા લોકોને પાછા ઘરે મોકલવામાં આવતા હોવાના દ્રશ્યો ક્યાંક ક્યાંક જોવા મળ્યા હતા.