રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ભરૂચનાં પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ મુન્શીએ ૧૯૫૦ માં વન મહોત્સવની શરૂઆત કરીને પર્યાવરણ સુધારણાની દિશામાં એક અતિ મહત્વનું કાર્ય કરવા આપણા સમાજને કરેલા અનુરોધ સંદર્ભે આપણે પ્રત્યેક વર્ષે વન મહોત્સવની ઉજવણી કરતાં આવ્યા છીએ, ત્યારે ચાલુ વર્ષે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાના લોકોને અંતરિયાળ ગામો સુધી કઇ જાતના રોપાઓ ક્યાંથી મેળવી શકાય તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા-રાજપીપલા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણીને સફળ બનાવવાં સુચારૂ આયોજન ઘડી કઢાયું છે.
જિલ્લા કલેકટર અને જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ મનોજ કોઠારીએ ૭૧ માં વન મહોત્સવની જિલ્લાના પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વન મહોત્વનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં લોકોને તેમની જરૂરીયાત પ્રમાણેના રોપા પૂરા પાડીને વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃત્તિ લાવવાનો હેતુ છે અને આ હેતુને સફળ બનાવવા માટે ઘનિષ્ટ વનીકરણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગામની ઉપલબ્ધ તમામ પ્રકારની વૃક્ષ વાવેતર લાયક જગ્યાઓ જેવી કે શાળા કંપાઉન્ડ, પંચાયત ઘર, સાર્વજનિક દવાખાના, ગામને જોડતા રસ્તાઓ, ધાર્મિક સ્થળો, લોકોનાં ખાનગીવાડા, ખેતર, સ્મશાનભૂમિ, ઔદ્યોગિક એકમ વગેરે જેવા વિસ્તારો પર લોકોની જરૂરીયાત મુજબ વૃક્ષ વાવેતર કરાવવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે સમગ્ર પ્રજાજનોને વૃક્ષારોપણમાં સાંકળી લઇ વન વિસ્તાર વધારવામાં તેમને સહભાગી બનાવાય છે.
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે ખાતાકીય કુલ-૧૫ રોપ ઉછેર કેન્દ્રો ઉપર વિવિધ જાતનાં ૨૧.૯૩ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં વિકેન્દ્રીત કિસાન નર્સરી ઉછેર કાર્યક્રમ હેઠળ ડી.સી.પી.નર્સરી-૪૮ ગામોમાં ૪.૮૦, લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. ૧૫ મહિલા કિશાન નર્સરીમાં ૧.૫૦ લાખ રોપા, અનુ.જાતિની – ૮ ગૃપ નર્સરીમા-૧.૫૦ લાખ રોપા ઉછેર કરવામાં આવ્યા છે. આમ, કુલ-૮૬ નર્સરીઓમાં ૨૯.૭૩ લાખ રોપાનો ઉછેર કરાયો છે અને આ રોપાઓ લોકોની જરૂરીયાત મુજબની માંગણીઓ સંતોષી શકશે તેમજ રોપા ઉછેર ધ્વારા પુરક આવક મેળવી પર્યાવરણ જાળવણીમાં પ્રજાજનોનું યોગદાન અત્યંત મહત્વનું બની રહેશે.