નર્મદા: દેડીયાપાડાના રેલવા ભરાડા ગામમાં પાંચ વર્ષથી વીજળીના ધંધિયા: અલગ ટીસી મુકવા લોકોની માંગ.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રેલ્વા ગામની ટીસી ભરાડા ગામમાં આવેલી હોય ત્યાંથી પૂરતો વીજપુરવઠો મળતો નથી :એક વર્ષ અગાઉ પણ જી.ઈ.બી ડેડીયાપાડા ખાતે લિખિતમાં રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા ચીમકી આપવામાં આવી હતી
રાજપીપળા : નર્મદા જીલ્લાના દેડીયાપાડાના રેલવા ભરાડા ગામમાં પાંચ વર્ષથી વીજળીની મોકણ મંડાયેલી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા આ બાબતે કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ ફરી રજુઆત કરી હતી.
ગ્રામજનો ના જણાવ્યા મુજબ સાબૂટી પંચાયતના રેલ્વા (ભરાડા ) ગામમાં છેલ્લા પાચ -છ વર્ષથી લાઈટને લઈને ઘણી મુશ્કેલીઓ છે.રેલ્વા ગામની ટી.સી રેલ્વા ગામમાં હોવી જોઈએ પરંતુ એ ભરાડા ગામમાં હોય જેના કારણે અનેક તકલીફો પડતી હોવાની રજૂઆત માટે આજે ૪૦-૫૦ ગ્રામજનો એ ભેગા થઇ જી.ઈ.બી ડેડીયાપાડા ખાતે રજુઆત કરી હતી.
ગ્રામજનોની રજૂઆત મુજબ રેલ્વા ગામ એક સ્વતંત્ર ગામ છે પણ રેલ્વા ગામ ની ટીસી ભરાડા ગામમાં આવેલી છે. અને ત્યાંથી પૂરતો વીજપુરવઠો મળતો નથી. અવાર નવાર લાઈટ જતી રહેછે. લાઈટ જતી રહે તો લાઈટ બનાવવા જતા ભરાડા ગામના અમુક લોકો ઝગડો કરીને રોકે છે.યોગ્ય વીજળી ન મળતા પીવાના પાણીની સાથે ઢોર ઢાખર ને પાણી પીવડાવવાની તકલીફ પડે છે.હાલ ચોમાસાના સમયમાં રાત્રે જીવજંતુ નો ખતરો રહે છે.માટે રેલ્વાગામની ટીસી રેલ્વા ગામમાંજ મુકવામાં આવે તેવી રેલ્વા ગ્રામજનો એ રજૂઆત કરી હતી.
જોકે આ સમસ્યા બાબતે એક વર્ષ અગાઉ પણ જી.ઈ.બી ડેડીયાપાડા ખાતે લિખિતમાં રજૂઆત કરી હતી છતાં પણ આજ સુધી આ મુશ્કેલીનું કોઈ નિરાકરણ આવ્યું નથી.માટે સોમવારે ફરી નાયબ કાર્યપાલ ઈજનેર જી.ઈ.બી ડેડીયાપાડા તથા તાલુકા વિકાસ અધિકારી ડેડીયાપાડા અને મામલતદાર ડેડીયાપાડા તથા માનનીય સભ્ય ભરૂચ મત વિસ્તાર, ને મૌખિક તથા લેખિતમાં રજૂઆત કરી છે.સાથે જો અમારી રજૂઆત ને ધ્યાનમાં લઈને દિન ૨ માં કોઈ નિરાકરણ ના મળે તો અમે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશુ તેવી ચીમકી પણ ગ્રામજનો એ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *