રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
માસ્ક વગર ઝડપાયેલા હોસ્પિટલના સ્ટાફ સહીત ૧૭ વિરુદ્ધ કાર્યવાહી કરતાં રૂપિયા ૩૪૦૦નો દંડ વસુલ્યો.
કોરોનાનો સંક્રમણકાળ ચાલી રહ્યો છે ત્યારે સાવચેતી માં જ સલામતી છે પરંતુ આપણે જેને કોરોના વોરિયર ગણીએ છીએ તેવો લુણાવાડાની વિનાયક હોસ્પિટલનો સ્ટાફ જ માસ્ક અને સોશિયલ ડીસ્ટનસિંગની અવગણના કરે તેવો હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો લુણાવાડામાં સામે આવ્યો છે. જો કે મામલતદારે રૂબરૂ જઈને હોસ્પિટલને કારણદર્શક નોટીસ સાથે દંડ ફટકાર્યો છે પરંતુ સામાન્ય કાર્યવાહીથી શું સમાજમાં દાખલો બેસશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. લુણાવાડાની વિનાયક ઓથોપેડીક હોસ્પીટલમાં સ્ટાફ તેમજ દર્દીઓ વચ્ચે સોશિયલ ડીસ્ટનસિંગનો અભાવ હોય તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો તેના પગલે લુણાવાડા મામલતદાર રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લઇ ૧૭ જેટલા માસ્ક વગરના લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હોસ્પિટલના ડો. અનીલ તાવીયાડની ચેમ્બરના દરવાજે કારણદર્શક નોટીસ ચિપકાવી હતી. નોટીસમાં છેલ્લા ત્રણ દિવસથી વિનાયક હોસ્પીટલમાં સોશિયલ ડીસ્ટનસિંગનો ભંગ કરતાં અને માસ્ક વગર દર્દીઓ ફરતાં જોવા મળી રહ્યા છે. આવો એક વિડીઓ પણ મળ્યો છે. આ અંગે તકેદારી નહિ રાખવામાં આવે તો મહીસાગર કલેકટરના જાહેરનામાં ભંગ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટીસ ઇન્સીડન્ટ કમાન્ડર અને લુણાવાડા મામલતદારે ફટકારી છે. જો કે તાજેતરમાં લુણાવાડામાં અનાજમાં થૂંકવાના વાઈરલ વિડીઓ મામલે લુણાવાડા મામલતદારે દુકાન સીલ કરવાની કાર્યવાહી કરી હતી પરંતુ કોરોના સંક્રમણ અંગે બેદરકાર હોસ્પિટલને માત્ર શોકોઝ નોટીસ ફટકારી સંતોષ માનતા તંત્રની કોરોના સંક્રમણમાં બેદરકારી બાબતે બેધારી નીતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સંક્રમણ ફેલાતું અટકાવવામાં સ્થળ પહોંચી કડક કાર્યવાહી કરનાર મામલત દારે આ અંગે વધુ કાર્યવાહી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી કરશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ હોસ્પિટલમાં પહોંચી મામલતદારે કાર્યવાહી કરતાં બેદરકારોમાં ફફડાટ ફેલાયો છે.
દર્દીઓની સારવાર માસ્ક વગર કરતાં હોવાનો વાઈરલ વીડીઓ સાચો જણાતા હોસ્પિટલ પહોંચી ૧૭ વિરુદ્ધ કાર્યવાહી કરી ૩૪૦૦ રૂપિયાનો દંડ સ્થળ પર વસુલ લેવામાં આવ્યો છે અને નોટીસ આપવામાં આવી છે. વધુ કાર્યવાહી સી.ડી.એચ.ઓ કરશે.
