રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સમિતિના ઠરાવના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બેદરકાર આચાર્યનો એક વર્ષનો ઇજાફો અટકાવી સેવાપોથીમાં નોંધ કરવા આદેશ કર્યો.
મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા. શાળાની મુલાકાત લીધી હતી જેમાં આચાર્યની બેદરકારીના સામે આવી હતી જેના પગલે ઇજાફો અટકાવવાનો ઠરાવ થઈ આદેશ થતાં જિલ્લામાં બેદરકાર શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઈ બારીયાએ કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા.શાળાની મુલાકાત દરમ્યાન શાળાના આચાર્યની ગેરહાજરી, શૌચાલયની સ્વચ્છતાનો અભાવ, બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકાર દ્વારા નક્કી થયેલ મેનુ મુજબ નાસ્તો ન આપતા સતત ત્રણ દિવસ ખિચડી જ આપવી, શાળાના શિક્ષક જીજ્ઞેશભાઈ દામા, જયેશભાઇ ડિંડોર દ્વારા દૈનિક નોંધપોથી ન નિભાવવા , છેલ્લાં બે સપ્તાહ દરમ્યાન લેવામાં આવેલ એકમ કસોટીની તપાસણી ન કર્યાની લોગબુક ન ભર્યાનું તથા શાળાના બાળકોમાં ગણિત તથા અંગ્રેજી વિષયના પાયાના જ્ઞાનનો અભાવ માલૂમ પડ્યા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને રીપોર્ટ કરી આચાર્યનો ખુલાસો મેળવી જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. આ અંગે મોટા પડાદરા પ્રા.શાળાના આચાર્યને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. આચાર્યએ નોટીસ પરત્વે તેમનો જવાબ રજૂ કર્યો હતો પરંતુ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં મોટા પડાદરા પ્રા.શાળા આચાર્ય ભાથીભાઈ રૂપાભાઈ ડિંડોરનો ખુલાસો સંતોષકારક ના જણાતાં તેને ગ્રાહ્ય ન રાખી ભવિષ્યની અસર સાથે એક ઇજાફો બંધ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું જેના પગલે એક વાર્ષિક ઇજાફો ભવિષ્યની અસર સાથે બંધ કરવા આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કર્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની કડક કાર્યવાહીથી બેદરકાર શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.