કોરોના મહામારી વચ્ચે હવે તસ્કરો પણ સક્રિય બન્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ભરૂચના જોડિયા નગર અંકલેશ્વર માં એક મકાનને નિશાચરોએ નિશાન બનાવી હજારો રૂપિયાની મતાની ચોરી કરી પલાયન થઈ જતાં કસબાતિવાડ વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વાત કરીએ અંકલેશ્વર નગરની તો અંકલેશ્વર નગરના કસ્બાતિવાડમાં રહેતો એક પરિવાર રાત્રીના સમયે ઉપરના માળે નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે તસ્કરોએ હાથફેરો કરી સોના દાગીના સહિત રોકડ મળી અંદાજિત ૫૦ હજારથી વધુના માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
પરિવારના સભ્યો મકાનના બીજા માળ પર સુઇ રહયાં હતાં ત્યારે નીચેના માળે તસ્કરોએ પોતાનો કસબ અજમાવ્યો હતો. કસ્બાતીવાડમાં રહેતાં પરિવારના સભ્યો તેમના મકાનના બીજા માળ પર નિંદ્રા માણવા માટે ગયાં હતાં. તે દરમિયાન નીચેના માળનો દરવાજો તોડી તસ્કરો અંદર પ્રવેશી સોના- ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૫૦ હજાર રૂપિયાની મત્તાનો હાથફેરો કરી પલાયન થઇ ગયા હતાં. સવારે મકાન માલિક નીચે આવતાં તેઓને ચોરીની જાણ થઇ હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.