રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઇ મેણીયા દ્વારા લીલી ઝંડી બતાવીને વિરમગામ તાલુકામાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇની ઉપસ્થિતીમાં ધન્વંતરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને જેતલપુર ખાતે પણ ધારાસભ્ય બાબુભાઇ જે પટેલના હસ્તે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતેથી ગુરૂવારે ધન્વંતરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ૨૨ જિલ્લાઓના અંતરીયાળ વિસ્તારો, શહેરી વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ લોકોને મળી રહે તે હેતુસર ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત કરવામાં આવેલ છે. ધન્વંતરી આરોગ્ય રથમાં અંતરીયાળ વિસ્તારના લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દો વગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ધન્વંતરી આરોગ્ય રથમાં આયુર્વેદીક અને હોમિયોપેથી દવાઓનું વિતરણ જરૂરીયાત વાળા લોકોને કરવામાં આવશે. ધન્વંતરી આરોગ્ય રથની મેડીકલ ટીમ દ્વારા થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટર દ્વારા કોવિડ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવશે અને ફિલ્ડમાં જો કોઇ શંકાસ્પદ દર્દી મળી આવે તો તેને તાત્કાલીક અર્બન હેલ્થ સેન્ટર / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવશે.