જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામ પાસે ગઈકાલે સાંજે એક ત્રિપલ સવારી બાઈક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક દંપતી ઘાયલ થયું છે, જ્યારે પાછળ બેઠેલી તેઓની પુત્રવધૂને ગંભીર ઇજા થઈ હોવાથી મૃત્યુ નિપજ્યું છે.
મળેલી વિગતો ના આધારે જામજોધપુર તાલુકાના બાવલા ગામના વતની અતુલભાઇ કાંજિયા અને તેમના પત્ની ભાવનાબેન કાંજિયા તેમજ પુત્રવધુ એકતા બેન વિરમભાઈ કાંજિયા (ઉ.વર્ષ.23) ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં એકતા બેનની દવા લેવા માટે જામજોધપુર તરફ પોતાના બાઈક પર ત્રિપલ સવારીમાં બેસીને જઈ રહ્યા હતા. જે દરમિયાન બાલવા રોડ પર સામેથી પૂરપાટ વેગે આવી રહેલી સોનલ કૃપા ટ્રાવેલ્સ ની લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકચાલક અતુલભાઈ તથા તેમના પત્ની ભાવનાબેનને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે પાછળ બેઠેલા એકતાબેન કાંજીયા ને પણ માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઇજા થઇ હતી. અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાય તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હતું.