રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૩૩ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૪ સેમ્પલ મોકલાયા.
કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૮ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ પૈકી ચાર દરદીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ ૮૮ પોઝિટિવ કેસના દરદીઓ પૈકી કુલ ૩૭ દરદીઓને રજા અપાતા આજની સ્થિતિએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે ૫૧ દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૩૩ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૪ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૮ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૮,૪૧૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૨ દરદીઓ, તાવના ૨૮ દરદીઓ, ડાયેરીયાના ૨૭ દરદીઓ સહિત કુલ -૧૦૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૩૧,૯૨૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૩૩,૮૪૨ લોકોને વિતરણ કરાઇ છે.