કાળઝાળ ગરમીમાં બપોર બાદ ત્રણેય મિત્રો તળાવે ન્હાવા જતા સર્જાઈ કરૂણાંતિકા બે ઘરના જીવનદીપ બૂંજાતા પરિવારમાં ફેલાયો શોકનો માહોલ.
છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બફારા અને ગરમીના પ્રમાણમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તવંગર લોકો તો પોતાના ઘરોમાં ઠંડા વાતાનુંકુલિત યંત્રો થકી ગરમીમાં રાહત મેળવતા હોય છે, પરંતુ મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોનું શું ?ત્યારે શનિવારના રોજ શહેરા પોલીસ મથક વિસ્તારની સામે આવેલા વાલ્મિકી સમાજના અંદાજે ૧૦ વર્ષના ત્રણ મિત્રો નામે (૧) સુમિત વિજય, (૨) વિકી પ્રકાશકુમાર (૩) વિવેક અરવિંદભાઈ ઉ.વર્ષ. અંદાજીત ૧૧ અસહ્ય ગરમીના કારણે તળાવમાં બપોરના અંદાજીત ૩ વાગ્યાના અરસામાં સાયકલો લઈ ન્હાવા માટે નીકળ્યા હતા ત્યારે “જાનકી નાથે શું જાણ્યું કે સવારે શું થવાનું છે” એ ઉક્તિ અનુસાર આ ત્રણ નાના બાળકો કે તેઓના પરિવારજનોને ક્યાં ખબર હતી કે બે મિત્રોનું અંતિમ સ્નાન હશે ! ત્રણેય મિત્રો પોતાની મસ્તીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે સુમિત વિજયભાઈ અને વિકી પ્રકાશભાઈ અચાનક જ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા જ્યારે કે અન્ય મિત્ર વિવેક અરવિંદભાઈ નજીકમાં હોય બે મિત્રને ડૂબતા જોઈ બૂમાબૂમ કરવા લાગતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને વિવેકને ડુબતો બચાવી લીધો હતો જ્યારે સુમિત અને વિકી પાણીમાં ડૂબી જતાં થોડા સમય બાદ તેઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની પરિવારજનોને જાણ થતાં પરિવારજનો સાથે વાલ્મિકી સમાજના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ત્રણેયને એક ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં સુમિત અને વિકીને વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા હતા જ્યાનાં તબીબે બન્નેને મૃત ઘોષિત કર્યા હતા, બનાવના પગલે વાલ્મિકી સમાજમાં ઘેરા શોકની કાલિમા ફેલાઈ જવા પામી હતી.જ્યારે કે હાલ વિવેક ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી બન્ને મૃતદેહોનું પંચનામું કરી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.માટેની તજવીજ હાથ ધરી હતી.