પંચમહાલ: હાલોલના શિવરાજપુર ખાતે કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર એ મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું.

Halol Latest Madhya Gujarat

૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત જિલ્લાને ત્રણ તબક્કામાં કુલ ૧૩ મોબાઈલ પશુ દવાખાના મળશે

હાલોલના શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર એ મોબાઇલ પશુ દવાખાનું કાર્યરત કર્યું છે. જે રીતે માનવ જીવ બચાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ છે તે રીતે આજે કાર્યરત કરાયેલા આ હરતા-ફરતા દવાખાનાઓ પશુપાલકોની અમૂલ્ય જણસ એવા પશુઓના જીવ બચાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે તેમ મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.

પંચમહાલ પંથકના પશુપાલકોને પોતાના પશુના રક્ષણ માટે ૧૩ મોબાઈલ પશુ દવાખાના ફાળવવામાં આવશે.જે પૈકી શરૂઆત થી હાલોલ તાલુકામાં ૧ અને શહેરા તાલુકામાં ૧ મોબાઈલ પશુ દવાખાના આપવામાં આવ્યા છે. જેના દ્વારા શિવરાજપુર સહિત આસપાસના વિસ્તારના ૧૦ ગામના પશુપાલકોને તેમના ચાર હજાર જેટલા પશુઓની ઘરેબેઠા આરોગ્ય સંભાળ આવનાર દિવસોમાં મળશે. એટલું જ નહિ, જિલ્લાને જે ૧૩ મોબાઈલ પશુ દવાખાના મળશે તેનાથી અંદાજે ૩ લાખ પશુઓને આરોગ્ય રક્ષા કવચ ઘરેબેઠા આપવામાં આવશે.

માનવ આરોગ્યની તાત્કાલિક સારવાર માટે હાલ ૧૦૮ની સેવાઓ કાર્યરત છે, તેવી જ રીતે પશુપાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પશુઓ માટે તાત્કાલિક સારવાર મળી રહેશે.તે માટે ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના પશુ સારવાર માટે મહત્વ નો ભાગ બનશે. હાલોલ તાલુકા માટે અપાયેલ આ મોબાઈલ પશુ દવાખાનાથી શિવરાજપુર અને આજુબાજુના ડાભણ, બેઢિયાપુરા, બાપોટિયા, નાની રણભેટ, પાલનપુર, કન્ટેલી, જીમિયાપુરા, સુઘરા, મોટી રણભેટ, ભાટ ગામના પશુપાલકો તેમના પશુઓની વિનામૂલ્યે સારવાર કરાવી શકશે.

આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જી.પી.એસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થશે અને સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે.આ ઉપરાંત માસ્ક અને સૅનેટાઇઝર નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર અમિત અરોરા,પ્રાંત અધિકાર એ.કે.ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *