વડોદરામાં કોરોના વાઇરસના 2 કેસ પોઝિટિવ સામે આવતા કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરીજનોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના જાહેર કરી છે. વડોદરાના મેયર જિગિષાબેન શેઠે જણાવ્યું હતું કે, વડોદરામાં બે કેસ સહિત સમગ્ર ગુજરાતમાં 7 કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા ઘનિષ્ઠ પગલાં ભરવામાં આવ્યા છે અને કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે ભગવાનને પ્રાથર્ના કરીએ. વડોદરામાં જરૂર પડ્યે કોરોના ટેસ્ટ લેબોરેટરી શરૂ કરાશે. મંગળ બજાર બંધ કરવા સૂચના આપવામાં આવી છે.
લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ
કોરોના વાઈરસનો બીજો કેસ આવતા હવે કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટો, હોટલોને પણ બંધ રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત ખાણી-પીણીની લારીઓવાળાઓને પણ જ્યાં સુધી કોરોના વાઈરસનો પ્રભાવ ઓછો ન થાય ત્યાં સુધી લારીઓ ચાલુ રાખવા સૂચના આપી છે. તેમજ શહેરીજનોને પણ ઘરની અંદર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
વેપારીઓને સ્વૈચ્છિક પોતાના વેપાર-ધંધા બંધ રાખવા માટે અપીલ
વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણીઓ પરેશ પરીખ, રમેશ પટેલ અને મોતીભાઇ શાહે જણાવ્યું હતું કે, આજે એસોસિએશનની તાકિદની મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં રવિવારે જનતા કરફ્યુ રાખવા માટે તમામ નાના-મોટા વેપારીઓને સ્વૈચ્છિક પોતાના વેપાર-ધંધા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રના નાના-મોટા વેપારીઓએ મહામારીને ડામવા માટે રવિવારે જનતા કરફ્યુમાં સહકાર આપવા માટે ખાત્રી આપી છે.
પોલીસ સ્ટેશનોમાં સાફ-સફાઇ કરવાની શરૂઆત
પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોટે પણ કોરોના વાઇરસને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકારોને જણાવ્યું હતું કે, ધારા-144 લાગુ કરવામાં આવી છે. આ કાયદાનો વડોદરા વાસીઓ કડક અમલ કરે તે જરૂરી છે. મહામારીને ડામવા માટેનો એકમાત્ર વિકલ્પ લોકો ઘરમાં રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. શહેર પોલીસ તંત્ર દ્વારા પણ તમામ પોલીસ સ્ટેશનોમાં સાફ-સફાઇ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રવિવારે જનતા કરફ્યુમાં શહેરીજનો સાથ સહકાર આપે તેવી અપીલ કરી છે.