રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેટલાક ગામોમાં અચાનક જ એક વિચિત્ર પ્રકારની ઇયળો આવી પડી છે.. આ ઈયળો એકલ દોકલ નહિ પરંતુ લાખો અને કરોડોની સંખ્યામાં આવી પડે છે.ગીર જંગલ માંથી આવતી આ મુસીબતના કારણે લોકોનું જીવન દોહ્યલું થઇ ગયું છે.
આ એક વિચિત્ર પ્રકારની ઈયળો છે જેણે છેલ્લા એક અઠવાડિયાથી આ ગામ પર જાણે કે રીતસર નો હુમલો કર્યો છે.. એકીસાથે કરોડોની સંખ્યામાં ઈયળો આવી ચડતા સ્થાનિકો મહા મુસીબતમાં મુકાયા છે. દીવાલો પર, ઘર માં , રસોડામાં જ્યાં જુઓ ત્યાં આ ઈયળો એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. મહિલાઓ રસોઈ બનાવવા માટે રસોડાના બદલે ખુલ્લામાં પલંગ પર રસોઈ બનાવવા મજબુર બની છે..સ્થાનિક આગેવાનો દ્વારા દર વર્ષે આ અંગે સંબંધિત સરકારી વિભાગને જાણ કરવામાં આવે છે. પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. સુખપુર ગામના સરપંચ જણાવી રહ્યા છે કે આ ઈયળો નો નાશ કરવા માટે થોડા ઘણા અંશે કેરોસીન નો છંટકાવ કારગત નીવડે છે. પરંતુ કેરોસીન મળતું નથી.અને ગરીબ લોકો ને કેરોસીન નો છંટકાવ કરવો પોષાતો પણ નથી. કાન્ગ્સા ગામમાં હજુ ઈયળો આવવાની શરૂઆત થઇ છે. હજુ આ ઈયળો મોટા પ્રમાણમાં જંગલ માંથી ગામ તરફ આવી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.આવા સંજોગોમાં લોકોની મુશ્કેલી વધશે તે ચોક્કસ છે.