સામાન્ય રીતે ચારથી વધુ લોકોના ભેગા થવા પરનું પોલીસ કમિશનરનું જાહેરનામું કોઈ અનિવાર્ય સંજોગોમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચારથી વધુ લોકોના એકત્ર થવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.
ભારતમાં પણ 200થી વધુ કેસો નોંધાયા
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શુક્રવારે જાહેરનામું જારી કર્યું છે, જેમાં જણાવાયું છે કે, હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં પણ 200થી વધુ કેસો નોંધાયા છે. તેમજ હાલમાં અમદાવાદમાં પણ 3 કેસો પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદ શહેર વિસ્તાર તેમજ વસતીની દૃષ્ટિએ ગીચ અને ભીડભાડવાળું છે. નોવેલ કોરોના વાઇરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે અમદાવાદ કમિશનરે હદ વિસ્તારમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામામાં જણાવાયું છે કે, આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ -188 તથા ગુજરાત પોલીસ એકટની કલમ -135 મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામામાં સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમને હોમગાર્ડ જેઓ ફરજ પર હોય તેઓ તથા સ્મશાનયાત્રાને અપવાદરૂપ ગણાયા છે.
લાલદરવાજા, ઢાલગરવાડ સહિતનાં બજારો બંધ કરાયાં
કોરોના વાઇરસને અટકાવવા માટે લેવાઈ રહેલાં પગલાંઓમાં અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ ત્રણ દરવાજા અને ભદ્ર તેમજ ઢાલગરવાડના બજારો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને શુક્રવારે સ્થાનિક પોલીસે આ તમામ બજારને તકેદારીરૂપે બંધ કરાવી દીધા હતા.
કોરોના વાઇરસને લઈને ચાલી રહેલી પરિસ્થિતિમાં લોકો એકબીજાના સંપર્કમાં આવતા આ વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધુ હોવાથી બજારો મોલ મલ્ટિપ્લેકસ અને સિનેમાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ સંજોગોમાં ખુલ્લા બજારો પાથરણાં અને અન્ય બજારો ચાલુ રહ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ મામલે કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોરનાકા અને ઢાલગરવાડના તમામ બજારો તકેદારીના પગલાંરૂપે પોલીસે બંધ કરાવી દીધા હતા.