રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડાની 142 વર્ષ જૂની એસ.કે.હાઈસ્કૂલનું વોટર કલર પેઇન્ટિંગ બનાવી ૧૫૦૦મું ચિત્ર પૂર્ણ કર્યું.
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરના હસ્તે આર્ટિસ્ટ બિપિન પટેલને પ્રમાણપત્ર અને મેડલ આપી વિશિષ્ટ સિધ્ધિની નોંધ લીધી.
કલાકાર માટે પોતાની કલા સાધનામાં અવિરત રમમાણ રહેવું એ જ તેની તપસ્યા છે આવા જ એક કલાકાર મહીસાગર જિલ્લાના સંતરામપૂર પાસે છાયણ ગામના બિપિન પટેલે રોજ એક વોટર કલર પેઈન્ટીંગથી ગ્રામ્યજીવન , ધબકતું શહેર હરિયાળી ધરતી અને હેરિટેજને ખુબ જ સુંદર રીતે કંડારી છે. રોજ એક ચિત્ર અવિરતપણે બનાવવાના મુશ્કેલ સંકલ્પને પોતાની ચિત્રકળાથી સરળ બનાવનાર આર્ટિસ્ટ બિપિન પટેલે ૨૬ જૂન ૨૦૨૦ના દિવસે ૧૫૦૦ જેટલા લેન્ડસ્કેપ પૂર્ણ કર્યા છે તેમણે લુણાવાડાની ૧૪૨ વર્ષ જૂની ઐતિહાસિક વારસો ધરાવતી શાળાને પોતાના રંગોથી કંડારી હતી અવિરત ૧૫૦૦ પેઇન્ટિંગની સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામ્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રેસીડેન્ટ પવન સોલંકીએ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે કલેકટર આર. બી. બારડના હસ્તે આર્ટિસ્ટ બિપિન પટેલને પ્રમાણપત્ર અને મેડલ આપી તેમની આ કલાસિધ્ધિની નોંધ લીધી હતી. જિલ્લા કલેકટરે લોકડાઉનના સમયગાળામાં પણ પોતાની કલાસાધનાને અવિરત રાખનાર બીપીન પટેલની જિલ્લાનું ગૌરવ વધારનાર આ વિશિષ્ટ સિધ્ધિને બિરદાવી ઉજ્જવળ પ્રગતિમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
બાળપણથી ચિત્રમાં રુચિ ધરાવતા સંતરામપુર તાલુકાનાં નાના છાયણ ગામના બિપિન પટેલે નારગોલથી ડિપ્લોમા ફાઈન આર્ટ અને બરોડા યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલો છે. બીપીન પટેલે પ્રધાન મંત્રી મોદીના જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગ દિલ્હી ખાતે PM ઓફિસે શોભા વધારી રહ્યા છે. યુનેસ્કો ઘ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં ૨૦૧૭ થી ૨૦૧૯ સળંગ ત્રણ એવોર્ડ મળેલ છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન સુરત ઘ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ઘ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ 2017 ભારત ભરથી આવેલ ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો. ભારતની આર્ટ સંસ્થા બિન્દાસ આર્ટની વિશ્વકક્ષાની વોટર કલર સ્પર્ધામાં બીજા નંબરે આવીને ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે. વિધાર્થી માટે ‘wet strokes ‘ water colour ની બૂક્સ પણ પ્રસિધ્ધ કરી છે. છાંયણ જેવા નાના ગામડામાંથી આવતા આ કલાકારે દેશ દુનિયામાં મહીસાગર જિલ્લાનું નામ રોશન કરી આગવી ઓળખ ઉભી કરી છે. ભારતના વોટર કલર આર્ટિસ્ટ વચ્ચે બિપિન પટેલનું સ્થાન એ ગુજરાત માટે ગૌરવ છે.