કોરોનાનો પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઈ ચૂક્યો છે અને શંકાસ્પદ કેસો પણ નોંધાવા માંડ્યા છે સાથે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવનારા અંગે પણ ફરિયાદો આવતાં મહાપાલિકા આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. મુઘલસરાઈ કચેરીએ આરોગ્ય ખાતાના અધિકારીઓની હાજરી દુર્લભ થઈ ગઈ છે, તમામ વેસુની કોરેન્ટાઈન વોર્ડ કંન્ટ્રોલ રૂમે કે ફિલ્ડમાં જ ફરી રહ્યાં છે.! શહેરમાં ઘણી સંસ્થાઓને આગોતરી જાણ કરવા છતાં સીનેમા, હોટલ, રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસીસ, જીમ, મેળાઓના સંચાલકોમાં હજી જાગૃતિ નથી આવી પરિણામે પાલિકાએ દિવસભર બંધ કરાવવા ક્વાયત કરવી પડી છે. આ સહિત કોમ્યુનિટી હોલ, સ્વિમીંગ પુલ, આધાર કાર્ડ સેન્ટર, સાપ્તાહીક બજારો મળી તમામ ઝોનમાં કુલ 1880 સંસ્થાઓને તથા સાપ્તાહીક બજારો બંધ કરાવાઈ છે. મોડી સાંજે પાલિકા કમિશનરે તમામ રેસ્ટોરંટો તારીખ 31 સુધી બંધ રાખવા આદેશ જારી કર્યો છે.
પાલિકાની વેબસાઇટ પર ફોર્મ ભરીને પણ જાણ કરી શકાશે
જો આપની છેલ્લા એકાદ મહિનામાં વિદેશ યાત્રા થઈ હોય, અથવા આપને તાવ-શરદી-ખાંસી-શ્વાસમાં તકલીફ જેવાં લક્ષણ જણાતા હોય કે કોરોના વાઈરસના કોઈ શંકાસ્પદ વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હો તો સ્વૈચ્છિક રીતે હોમ કોરન્ટાઈન પાળો અને યોગ્ય તપાસ કરાવવાની કમિશનર બંછાનિધી પાની અને મેયર ડો.જગદીશ પટેલે અપીલ કરી છે. તેમજ આપની જાણમાં જો આવા કોઈ વ્યક્તિ હોય તો પણ તેમના નામ-સરનામા સહિતની માહિતી ટોલ ફ્રી નંબર 1800 123 8000 પર આપવા જણાવ્યું છે. તથા પાલિકાની વેબ સાઈટ પર મુકાયેલું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ઓનલાઈન ભરી જાણ કરવા જણાવ્યું છે. હોમ કોરોન્ટાઇન, આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન નહીં કરનારને ફરજીયાત ક્વોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી એપિડેમીક ડીસીઝ એક્ટ 1897 જોગવાઈ મુજબ મહત્તમ 25 હજાર સુધીનો દંડ વસુલાશે. ઉલ્લેખનિય છે કે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ હોમ કોરોન્ટાઇન હોવા છતાં ભીડવાળી જગ્યા પર જઇ રહ્યા છે.