રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
રાજયમાં બનતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનના આઈ એમ ઈ આઈ નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે કે તેમણે કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે. જે મોબાઇલ વેંચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહીતી હોતી નથી. મોબાઇલ ચોરીના ગુન્હા અટકાવી શકાય અને ગુન્હાઓના મુળ સુધી પહોંચી શકાય તે માટે જુના મોબાઇલના વપરાશકારે મોબાઇલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી છે. જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ લેતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવા તથા જુના મોબાઇલ વેચતા, ખરીદતા વેપારી દ્વારા નિયત રજીસ્ટર નિભાવવામાં આવે તો ગુન્હાના મુળ સુધી પહોંચી શકાય જેથી આવા જુના મોબાઇલ લેનાર/વેચનાર વેપારીની જવાબદારી નકકી કરતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ડો.બી.એસ.પ્રજાપતિએ બહાર પાડયું છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના મોબાઇલ લેનાર/વેચનાર વેપારીએ કોઇપણ વ્યકિતઓની પુરતી ખરાઇ ઓળખકાર્ડ અથવા ઓળખપત્ર વગર જુના મોબાઇલ લઇ શકશે નહીં કે વેંચી શકશે નહીં તથા જુના મોબાઇલ ખરીદતી/ વેચતી વખતે વેપારીઓએ નમુના પ્રમાણેના રજીસ્ટર નિભાવવાના રહેશે.
આ હુકમ તાત્કાલીક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહે તે રીતે ફરમાવેલ છે. આ આદેશનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ, સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.