રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ત્રણ માસથી કામગીરી બંધ રહેતા અરજદારો મુશ્કેલીમાં
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં છેલ્લા ત્રણ માસથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તાલુકા કચેરીમાં ફરી આધારકાર્ડની કામગીરી શરૂ કરવા છાત્રો અને વાલીઓમાં માંગ ઉઠી છે.
આધારકાર્ડ મેળવવા માટે ૩૦ કિલોમીટર દૂર રાજુલા શહેરમાં ધક્કો ખાવો પડે રાજુલા અને જાફરાબાદ તાલુકાના આધારકાર્ડની કામગીરી માત્ર રાજુલા મામલતદાર કચેરીમાં શરૂ હતી.
અહીં જાફરાબાદમાં વર્ષોથી આધારકાર્ડ સેન્ટર શરૂ જ કરવામાં આવ્યું નથી. જેના કારણે જાફરાબાદ વાસીઓને આધારકાર્ડ મેળવવા માટે ૩૦ કિલોમીટર દૂર રાજુલા શહેરમાં ધક્કો ખાવો પડે છે. અહીં પણ નેટર્વકનો પ્રશ્ન ઉભો થતા આધારકાર્ડની કામગીરી ખોરભે ચડી છે. જેના કારણે રાજુલા અને જાફરાબાદ તાલુકાના અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. આધારકાર્ડ સેન્ટરના અભાવે લોકોને રાજુલા સુધી ધક્કો ખાવામાં સમય નાણાની પણ બરબાદી થાય છે. તેમજ કોરોના વાયરસની મહામારીને કારણે રાજુલા મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ માસથી આધારકાર્ડની સંપૂર્ણ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. પણ હાલ શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થતા વાલી અને વિદ્યાર્થીઓને આધારકાર્ડની જરૂર પડતી હોય છે. પણ કામગીરી શરૂ ન હોવાથી અરજદારોને માત્ર કચેરી ખાતે ધક્કો ખાવો પડે છે. ત્યારે રાજુલા અને જાફરાબાદમાં આધારકાર્ડ સેન્ટર ફરી શરૂ કરવા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જિલ્લા કલેકટર સમક્ષ માંગણી કરી હતી.