નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારના બોરીદ્વા ગામમાં સેવાના ઝરણારૂપે ઘરે ઘરે જઇને ધો-૧ થી ૮ના ૧૩૮ જેટલા બાળકોને અંદાજે રૂા. ૧૭ હજારના ખર્ચે ૮૫૦ જેટલી નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરતા બોરિદ્વા ગામના ગામ આગેવાન અને એસ.એમ.સી સમિતિના શિક્ષણવિદશ્રી સુકાભાઇ વસાવા..
કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણીક સંસ્થાઓ બંધ છે, ત્યારે નર્મદા જિલ્લાના શિક્ષકો દ્વારા પુસ્તકો અને જરૂરી સાહિત્ય વાલીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બોરીદ્વા ગામના ગામ આગેવાન અને એસ.એમ.સી સમિતિના શિક્ષણવિદ તેમજ હાલ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં શ્રી સુકાભાઇ વસાવાએ મિત્રો અને દાતાઓના સહયોગ થકી બાળકોના ઘરે જઇને ધો-૧ થી ધો-૮ ના ૧૩૮ જેટલા બાળકોને સેવારૂપી ઝરણા રૂપે અંદાજે રૂા. ૧૭ હજારના ખર્ચે ૮૫૦ જેટલી નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું તેની સાથોસાથ લોકોને માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝ કરવા અને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવા તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવી રહ્યા છે.
નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના ગામ આગેવાન અને એસ.એમ.સી સમિતિના શિક્ષણવિદશ્રી સુકાભાઇ વસાવા એ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ભારતમાં હાલ નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે શાળાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણાની રજુઆતના આધારે મારા અંગત મિત્રો અને દાતાશ્રીઓના સહયોગ થકી ધો.૧ થી ૮ ના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઇ શકાય તે હેતુથી બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ જેટલા બાળકોને વિનામુલ્યે અંદાજે રૂા. ૧૭ હજારના ખર્ચે નોટબુકોનું વિતરણ ઘરે ઘરે જઇને કર્યું છે જેથી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
બોરીદ્રા ગામના બાળકના વાલી શ્રીમતી વનીતાબેન છનાભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અમારા ગામના ગામ આગેવાન શ્રી સુકાભાઇ વસાવા દ્વારા બાળકોને વિનામુલ્યે નોટબુકોનું વિતરણ કર્યું હોવાથી અમારા બાળકોને અભ્યાસમાં ખુબ જ ઉપયોગી નિવડશે તેથી હું શાળાના શિક્ષકો તેમજ ગામ આગેવાન સુકાભાઇનો આ સેવા કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.આ પ્રસંગે નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગૃપના સી.આર.સી શ્રી વાસુભાઇ રાઠવા, બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.