રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ટી.બી.ના દર્દીઓના ઝડપી નિદાન માટે અંદાજે રૂા. ૩૫ લાખના ખર્ચે નવી મોબાઇલ એક્સ-રે વાનનું ઉદ્ધાટન કરાયું.
નર્મદા જિલ્લામાં ટીબીના દરદીઓના ઝડપી નિદાન માટે નવી મોબાઇલ એક્સ-રે વાન કેન્દ્રિય વિદેશમંત્રીશ્રી એસ.જયશંકર અને રાજ્યસભાના સંસદસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ છે, જે અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી રિબીન કાપીને અંદાજે રૂા. ૩૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોબાઇલ એક્સ-રે વાનનું ઉદ્ધાટન કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકારવીને પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય વિદેશમંત્રીશ્રી એસ.જયશંકરની એમ્પીલેડ ગ્રાન્ટમાંથી નર્મદા જિલ્લાને ફાળવવામાં આવેલ એક્સ-રે વાનનું ઉદ્ધાટન આજે કરવામાં આવ્યું છે. આ એક્સ-રે વાન નર્મદા જિલ્લાના દૂરના અંતરિયાળ ગામોમાં રહેતા ગામ લોકો પાસે લઇ જવામાં આવશે અને ત્યા રહેલા લોકોમાં ક્ષયના લક્ષણો જણાય તો તેવા પેશન્ટના એક્સ-રે લઇ તેનું નિદાન કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જો ક્ષય જણાશે તો તેની તાત્કાલિક સારવાર શરૂ કરી કરવામાં આવશે. નર્મદા જિલ્લાના દુરના ગામોનો રુટ બનાવી એક્સ-રે વાનને ફેરવવામાં આવશે અને સતત ગામના લોકોનું આરોગ્ય વિષયક ચકાસણી કરવામાં આવશે જેથી આ એક્સ-રે વાનથી આરોગ્ય વિષયક બાબતોનો ખૂબ જ ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. એસ.એ.આર્યએ જણાવ્યું હતું કે, ટી.બી.ના દરદીઓના ઝડપી નિદાન માટે નવી મોબાઇલ એક્સ- રે વાન નર્મદા જિલ્લાના દુરના અને અંતરિયાળ વિસ્તારોમાં ટી.બી. ના દરદીઓ શોધશે. ખાસ કરીને અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તાર જેમકે સાગબારા તાલુકાના વિસ્તારો અને દેડીયાપાડાના મોઝદા,પીપલોદ,માલસામોટ વગેરે જેવા ગામોમાં ફેરવવામાં આવશે. આ એક્સ-રે વાનમાં ટેક્નીશીયન સાથે સ્થાનિક વિસ્તારના કર્મચારી સાથે રહીને ટી.બી.ના દરદીઓ શોધશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો છે અને આ જિલ્લાને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવા માટે આ મોબાઇલ એક્સ-રે વાન ખુબ જ અગત્યની બની રહેશે તે બદલ ભારત સરકારના વિદેશમંત્રીશ્રી એસ.જ્યશંકરનો ખુબ ખુબ આભાર માનું છું તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રીનો પણ ડૉ. આર્યએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલે નવી મોબાઇલ એક્સ-રે વાનનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આર્યએ નવી મોબાઇલ એક્સ-રે વાનની ઉપલબ્ધ સુવિધાની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.