રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ડેડીયાપાડા તાલુકાના કોટવાડિયા પરિવાર દ્વારા વાંસ (બમ્બુ)માંથી ખુબ જ સુંદર વસ્તુ ફર્નિચર બનાવીને વેચવાનું કામ કરતા ગરીબ લોકોને સારો ભાવ મળે તો તેમનું જીવન ઘણું ઊચું આવે તેમ છે. ડેડીયાપાડા તાલુકાના અતિ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓમાંના એકપ કોટવાળીયા સમાજના લોકો ખૂબ જ ગરીબ પરિવારો પોતાની જિંદગી ગરીબીમાં જીવે છે. જે લોકો પાસે પોતાની જમીન પણ ન હોવાથી તેઓ પોતાની જિંદગી બામ્બુ વાસની વિવિધ બનાવટો બનાવવામાં પોતાની જિંદગી જીવે છે. આ લોકો ખૂબ જ સુંદર કામગીરી હોય છે પરંતુ જાહેર જીવનનો અભ્યાસ ન હોવાથી ખૂબ જ ગરીબ રહ્યા છે. સરકારી યોજનાઓ પણ તેમના સુધી નથી પહોંચી. તેઓ ખૂબ જ સુંદર આર્ટવર્ક કરીને આદિવાસી સમાજનું પણ નામ ઉપર કરી રહ્યા છે પરંતુ આ સમાજને જો મદદ મળે તો તેઓ ખૂબ ઉમદા કારીગર બની ભારતભરમાં પોતાનું નામ રોશન કરી શકે તેમ છે. આદિવાસી ગરીબ લોકો પોતે પોતાના પરિવાર નાના બાળકો સાથે જંગલમાંથી બામ્બુ વાસ લાવે છે અને તેનાથી તેઓ ખૂબ સુંદર ફર્નિચર બનાવે છે. સોફા સેટ, ટીપોઈ, હીચકા બનાવે છે ,સાથે વાસની ચોપડી ટોપલા તથા હમણાં તો ફેન્સી ફુલદાનીઓ પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરે છે. ગ્રામ્ય કક્ષાએ તેઓ વધુ પૈસા નથી મેળવી શકતા પરંતુ જિંદગી જીવી જાય છે, માટે આવા પરિવારોને સરકાર દ્વારા મદદ મળે તેવી લોકોની ઈચ્છા છે.
સ્ટોર ચાલુ કરી ઉત્પાદનો વેચવાનો નાનો પ્રયાસ
બીજી તરફ અવાજ એક પરિવારના સભ્ય દ્વારા ડેડીયાપાડા ખાતે એક ન્યુ ફર્નિચર માર્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર બામ્બુ વાંસથી જ બનતી બનાવટોને ઉપયોગમાં લઈને ખુબ સુંદર ફર્નિચર બેસાડવામાં આવ્યું છે. જેમાં આરામદાયક ખુરશીઓ પણ બનાવવામાં આવી છે. જો આને વ્યવસ્થિત શહેરોનું માર્કેટ મળે તો ખૂબ જ ઊચા ભાવે આ ફર્નિચર વેચાઈ તો આ લોકોનું જીવનધોરણ ખરેખર ઉપર આવશે. જો તેઓને સગવડ આપવામાં આવે તો તે લોકો ભારતમાં નામી કલાકારો તરીકે ઓળખાવી શકે તેમ છે માટે આ કળાને જાળવી રાખવાની સરકારની પણ ફરજ છે. સંસ્થાની ફરજ છે તે ઉપરાંત વનવિભાગની પણ ફરજ છે તો તમામે ભેગા મળીને આ લોકોનો પુનરુત્થાન કરવો જોઈએ જેનાથી આ લોકોનો જીવન ખૂબ સુંદર સુખી બની શકે અને કળાનો વારસો જે છે તે જળવાય રહે. બામ્બુ બનાવટની બાબતમાં વન વિભાગના આર.એફ.ઓ અશોક કુમાર રાણાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી, વન વિભાગ તરફથી પણ કોટવાડીયા સમાજ માટે ઘણી સારી યોજનાઓ ચાલે છે તેમના માટે સસ્તા ભાવે મળે તે માટેની વ્યવસ્થા થાય છે તે ઉપરાંત તેમના માટે સ્ટોરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તેનું વેચાણ વધે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેડીયાપાડા તાલુકા ખાતે સ્ટોર ઉભા કર્યા છે. જેના કારણે તેમની પ્રોડક્ટ દેશ વિદેશ સુધી પણ પ્રખ્યાત થાય તેવા પ્રયત્ન કર્યા છે. તે ઉપરાંત તેમને સારી તાલીમ મળે તે માટે સારા ઉત્તમ પ્રકારના બામ્બુ વાસ બનાવટના કારીગરોને લાવીને પણ તેમને તાલીમ આપવામાં અને બીજી કોઈ પણ તેમની માગણી હશે તે બાબતે પણ સરકારનું ધ્યાન દોરીને તેમને સારી સગવડ મળે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે.
આ બાબતે કોટવાડીયા સમાજના સુરેન્દ્રભાઈ કોટડીયાએ જણાવ્યું કે અમારી વસ્તી અંદાજીત નર્મદા જિલ્લામાં ૪૦૦ જેટલી છે કે અમે છેલ્લા ઘણા વર્ષોથી અને પેઢીઓથી આ કાર્ય કરતા આવ્યા છે અને અમારા લોહીમાં જ આ કલા વ્યાપેલી છે. અમારા નાના બાળકોથી લઈને એક ઉંમરલાયક સ્ત્રી-પુરુષ તમામને આ કાર્ય આવડે છે અને ખૂબ સારા કારીગર છે પરંતુ ગરીબીના કારણે અમે યોગ્ય વળતર મેળવી શકતા નથી. જો સરકાર અમારા માટે સારી વ્યવસ્થા કરે અને અમારી એક સારી પાકી કોલોની વ્યવસ્થા કરી શહેરમાં જો અમારા કલાને સ્થાન આપવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો અમારી વસ્તુઓ વાપરીને અમારી રોજી રોટીમાં ચાર ચાંદ લગાવી શકે તેમ છે માટે જ અમને વધુ રોજગારી મળે, વધુ સારું વળતર મળે તેવી અમારી માગ છે.