તપાસમાં પાલિકાના મુખ્ય અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ પણ ભેરવાતા ફફડાટ
પોતાની નંદન આર્કેડની દુકાનો વેચવા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતાં રૂપિયા ૯.૫૪ની રીકવરી ભરવાનો આદેશ થયો.
ટાઉન હોલ બનાવવાના નામે કરેલા ભ્રષ્ટાચારની તપાસ પ્રમુખના માથે લટકતી તલવાર.
મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત લુણાવાડા નગરપાલિકા દ્વારા છ કરોડ થી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે ટાઉનહોલ બનાવમાં આવી રહ્યો છે તેમાં લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા છ કરોડના ટાઉન હોલના કામમાં ખાડો ખોદી ૪૬ લાખ ચૂકવી પાલિકા પ્રમુખે ભ્રષ્ટાચારના રેકોર્ડ બ્રેક કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે અગાઉની તપાસો પર પણ ભ્રષ્ટાચારનો પડદો પાડવાના પ્રયાસો તેજ થયા હોવાનું જાણવા મળે છે. પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી આ અગાઉ પણ અનેક ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયા છે. ગત સપ્તાહમાં પાલિકા પ્રમુખને નંદન આર્કેડમાં પોતાની દુકાનો વેચવા અન્ય સ્થળે મંજુર થયેલ રોડ બનાવી દેવાના મામલામાં રૂપિયા ૯.૫૪ લાખની વસુલાતનો આદેશ પ્રાદેશિક કમિશનરે કર્યા બાદ નગરના લોકોને હૈયાધારણા જાગી છે કે આ મામલામાં પણ હવે સત્ય બહાર આવશે તેમજ પાલિકા અનેક ભ્રષ્ટાચારો બહાર આવશે. જો કે આ મામલે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા કરવામાં આવેલ તપાસ લંબાતા મામલો હજુ પેન્ડીંગ છે ત્યારે ભ્રષ્ટાચારી પાલિકા પ્રમુખ દ્વારા પ્રજાના પૈસા ખાડામાં નાખી દેવાયા હોવાનું લોક ચર્ચામાં છે.
લુણાવાડા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન પાસે ટાઉન હોલ બનાવવા જમીન ફાળવી હતી અને તે જગ્યા પર ટાઉન હોલ બનાવવા માટેની તમામ પ્રકારની મંજૂરીઓ લઇ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ કોઈ કારણોસર તે જગ્યા રદ થતા ટાઉન હોલ બનાવવાનું કામ અટકી ગયું હતું. ત્યારે હાલના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ પોતાની વગ વાપરી પોતાના મળતિયાઓને કોન્ટ્રાકટ આપી લુણાવાડામાં આવેલ એક માત્ર રમતગમતમાં મેદાનમાં ટાઉનહોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટ નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથે અરજી કરી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશનર દ્વારા મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને લુણાવાડા નગરપાલિકા દ્વારા બનવામાં આવી રહેલ ટાઉન હૉલમાં થઈ રહેલ સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ કરી અને આચરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી હતી. આ બાબતે જે તે સમયે તપાસ અધિકારીએ લુણાવાડા નગરપાલિકા કચેરીમાં જઈ ટાઉન હોલ વિશેનું દફતર તપાસ્યું હતું, તેમજ જ્યાં ટાઉન હોલ બને છે તે સ્થળની સ્થળ તપાસ કરી હતી. જો કે આ તપાસની ફાઈલ દફતરોમાં હજુ પેન્ડીગ છે ત્યારે લુણાવાડા નગરમાં ટાઉનહોલ પણ હવે ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
હાલ જે જગ્યા એ નવીન ટાઉન હોલ બની રહેલ છે તે જગ્યા સરકાર દ્વારા અગાઉ ફાળવેલ જગ્યા કરતા ખુબ જ નાની છે અને આ નવીન જગ્યા માટે ટાઉન હોલ બનાવવા કોઈ પણ પ્રકારના પ્લાન એસ્ટીમેટ સરકારમાં રજૂ કરી કોઈપણ પ્રકારની સરકાર પાસેથી મંજૂરીઓ મેળવ્યા વગર ફક્ત સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવાના ઉદેશથી ટાઉન હોલ બનવવાનું કામ શરૂ કરી દીધેલ છે. ફક્ત ખાડા ખોદી ૪૬ લાખ જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધેલ છે. સરકાર ની ગ્રાન્ટ નો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ છે. – મુળજીભાઈ રાણા , મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રી અને નગરપાલિકા સભ્ય
પાલિકા પ્રમુખ જયેન્દ્રસોલંકીનો ખરડાયેલો ભ્રષ્ટાચારી ઈતિહાસ
લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્ર સોલંકીનો ઈતિહાસ અનેક ભ્રષ્ટાચારોથી ખરડાયેલો છે વર્ષ ૨૦૧૫માં મંજુર થયેલ કુંડાળવાળો રોડ પોતાના નંદન આર્કેડની દુકાનો વેચવા ત્યાં બનાવી દીધો પ્રાદેશિક કમિશ્નરની તપાસમાં સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવતા ૯.૫૪ લાખની રીકવરી ભરવાનો આદેશ થયો છે હજુ બીજી તપાસો કમિશ્નર કચેરી દ્વારા ચાલી રહી છે પેવર બ્લોકનું કૌભાંડ,આકારણીનું કૌભાંડ, સીસીરોડના કૌભાંડ જેવા અનેક કૌભાંડો ચર્ચામાં છે ત્યારે ભ્રષ્ટાચારોનો પર્દાફાશ થવાની ઘડીઓ ગણાઇ રહી છે.