ગાંધીનગર જિલ્લામાં ચોરી અને લૂંટના બનાવો વધી રહયા છે ત્યારે પોલીસ દ્વારા આવા ગુનાઓ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે ચિલોડા સર્કલ પાસેથી રાજસ્થાન પાર્સીંગની કારમાં સવાર આઠ શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ત્રણ પિસ્ટલ, બાર કારતૂસ અને મરચાંની પડીકીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ આરોપીઓ રીંગરોડ ઉપર બિલ્ડરનું અપહરણ કરીને મોટી લુંટ કરવાના પ્લાનીંગમાં હતા તે પહેલા જ પોલીસની ઝપટે ચઢી ગયા છે જેમનો રાજસ્થાનમાં ગુનાહિત ઈતિહાસ પણ રહયો છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી બનેલા ગુનાઓ શોધવા અને નવા ગુનાઓ અટકાવવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સુચનાના પગલે એલસીબી પીઆઈ એચ.કે.ઝાલાએ સ્ટાફના માણસોને આ દિશામાં એલર્ટ રહી કામગીરી કરવા સૂચના આપી હતી.
તે દરમ્યાન પીએસઆઈ પી.ડી.વાઘેલા, હેકો.કેવલસિંહ તેમજ અનોપસિંહને ચોકકસ બાતમી મળી હતી કે લલિત ચૌધરી, આઝાદસિંહ, સુરેશ બિસ્નોઈ, સુરેશ રાજપુરોહિત કે જેઓ અગાઉ લૂંટ, ખુન, બળાત્કાર, નાર્કોટીકસ જેવા ગુનાઓમાં પકડાયેલા છે તે રાજસ્થાનથી કેટલાક સાગરિતોને હથિયાર સાથે બોલાવી ગાંધીનગરમાં કોઈ મોટો ગુનો કરવાનું પ્લાનીંગ કરી રહયા છે.
હાલમાં ચિલોડા સર્કલ પાસે આરજે પાર્સીંગની કારમાં આ ગેંગ ઉભી છે. જે બાતમીના પગલે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ચિલોડા બ્રીજ નીચેથી કાર સાથે આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્ટલ, બાર જીવતા કારતૂસ, ત્રણ છરા, છ માસ્ક, એક બુરખો, દસ હાથના મોજા, બે મરચાંની ભુકીની પડીકી, નવ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દહેગામ તથા રીંગરોડ ઉપરના દાસ્તાન સર્કલ પાસે મોટી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર પંદર દિવસ પહેલા રેકી કરી હતી અને બિલ્ડરનું અપહરણ કરી લૂંટ કરવાનો ઈરાદો હતો.
જેમની પાસેથી મળેલી કારનો નંબર પણ ખોટો હોવાનું ખુલ્યું હતું. આજથી વીસ દિવસ અગાઉ હિંમતનગર ખાતે પણ એક ફાઈનાન્સરની રેકી કરી હતી પરંતુ તેને લૂંટવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. એટલું જ નહીં આજથી એક વર્ષ પહેલા એક સોની વેપારીનું અપહરણ કરીને શામળાજી ખાતે લઈ જઈ દસ લાખ રૂપિયાની ખંડણી પણ વસુલ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીઓ સામે ચિલોડા પોલીસ મથકમાં આર્મ્સ એકટનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે પકડેલા આરોપીઓ
૧.દોલરામ ઉર્ફે લલિત હીરારામ ચૌધરી રહે.બુસી તા.પાલી, રાજસ્થાન હાલ ગોતા અમદાવાદ (રાજસ્થાનમાં બળાત્કારનો ગુનો, મહારાષ્ટ્રમાં ચોરી, પુનામાં ચોરીનો ગુનો)
ર. આઝાદસિંહ લક્ષ્મણસિંહ રાજપૂરોહિત રહે.કરાડી, તા.મારવાડ, જિ.પાલી, રાજસ્થાન (રાજસ્થાનમાં ખુન, લૂંટ,ગાંધીનગરમાં લૂંટ, જેલમાં કેદીઓ સાથે મારામારીનો ગુનો)
૩. રાજુસિંહ ઉર્ફે બન્ના નાગસિંહ દિઓસીપરમાર રહે.થાપનગામતા, જિ.બાડમેર, રાજસ્થાન (રાજસ્થાનમાં અપહરણનો ગુનો)
૪. સુરેશ તુલસારામ હરીરામજી રાજપુરોહીત રહે.બાલોતરા, જિ.બાડમેર, રાજસ્થાન (રાજસ્થાનમાં વાહનચોરી, નાર્કોટીક્સના ગુનાઓ)
પ. સુરેશ રુપારામ હરીરામ જાની રહે.કુડી, તા.પચપદરા, જિ.બાડમેર, રાજ. (રાજસ્થાનમાં નાર્કોટીક્સનો ગુનો)
૬. પોખરાજ પોમારામ પાલીવાલ રહે.ભાંડીયાવાસ, જિ.બાડમેર. રાજસ્થાન
૭. સંજયસિંહ કમલસિંહ જાટવ રહે.નંગલા, જિ.ભરતપુર, રાજસ્થાન (રાજસ્થાનમાં બળાત્કાર અને કર્ણાટકમાં ત્રણ મંદિરમાં ચોરીનો ગુનો)
૮. ભટરાજ ઉર્ફે ભટો હેમારામ ભીલ રહે.બાલોતાત્રા, જિ.બાડમેર, રાજસ્થાન