નર્મદા: જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ. ૭૮૪/- લાખના ખર્ચે ૫૧૩ જેટલાં વિકાસ કામો મંજૂર.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ગુજરાતના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે અંદાજે રૂા. ૭૮૪/- લાખના ખર્ચે કુલ ૫૧૩ જેટલા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.

ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જિલ્લાનાં વિકાસમાં ખૂટતી કડીઓ સંદર્ભે સામુહિક વિકાસના કામોને અગ્રતા આપી જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા આયોજન મંડળ હેઠળ નર્મદા જિલ્લાને મળવાપાત્ર ગ્રાન્ટની જોગવાઇ સામે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તાલુકા આયોજન સમિતિના માધ્યમથી અને પદાધિકારીશ્રીઓના સુસંકલન થકી તમામ તાલુકાઓનું સુચારુ આયોજન થયેલ છે, જે બદલ મંત્રીશ્રીએ સહુ કોઇને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષશ્રી દામાભાઇ વસાવા, નાંદોદનાં ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમ, સામાન્ય વહિવટ વિભાગ (આયોજન) ના નિરીક્ષકશ્રી જયેશભાઇ ગામીત, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા સહિત જિલ્લા આયોજન મંડળના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે આજે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકને વધુમાં સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને આયોજન મંડળના અધ્યક્ષશ્રી બચુભાઇ ખાબડે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર કરાયેલા ઉકત કામો ઝડપથી હાથ ધરીને નિર્ધારિત સમયાવધિમાં પૂર્ણ કરવાની સાથે વિકાસ કામોની ગુણવત્તા જળવાઇ રહે તેની પણ ખાસ કાળજી રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આજે યોજાયેલી ઉકત બેઠકમાં મંજૂર કરાયેલા રૂા. ૭૮૪/- લાખના ખર્ચે ૫૧૩ વિકાસ કામોમાં ડામર રસ્તા, પેવરબ્લોક, સી.સી. રસ્તા, પાણીની સુવિધા, સંરક્ષણ દિવાલ, ગટરલાઇન, સમૂહ વિકાસના (પાઇપ-નાળા, સ્મશાન, હવાડો, ખડીયાટ) વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. જેમાં નાંદોદ તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૧૧૩ કામો, ગરૂડેશ્વર તાલુકામાં રૂા. ૧૨૫/- લાખના ખર્ચના ૧૧૮ કામો, તિલકવાડા તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૮૪ કામો, દેડીયાપાડા તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૧૨૬ કામો અને સાગબારા તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૬૪ જેટલા વિકાસ કામો ઉપરાંત રાજપીપલા નગરપાલિકાના રૂા.૨૫ લાખના બે કામોને આવરી લેવાયા છે. તદઉપરાંત જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી રાજપીપલા સિવિલ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે રૂા. ૩૩/- લાખના ખર્ચના ૬ કામોને પણ આ બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *