જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોરોના વાયરસની ચકાસણી માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે અને એમાં ગઇકાલ સુધીમાં કુલ 36 સેમ્પલો આવ્યા હતા જેમાં એક પોઝિટિવ આવ્યો હતો ત્યાર પછી આજે વધુ નવ સેમ્પલો સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા છે. જેમાં જામનગરના એક સેમ્પલનો સમાવેશ થાય છે.
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબોરેટરીમાં આજે નવા 9 સેમ્પલો આવ્યા છે. જેમાં રાજકોટના પાંચ, જામનગરના એક, દેવભૂમિ દ્વારકાના એક અને પોરબંદર જિલ્લાના બે સેમ્પલનો સમાવેશ થાય છે.
જામનગરના 60 વર્ષની વયના એક વૃદ્ધ પુરુષનું સેમ્પલ આવ્યું છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેનો બપોર પછી રિપોર્ટ આવી જશે. અત્યાર સુધીમાં જી. જી. હોસ્પિટલમાં અગાઉ 36 સેમ્પલ આવી ચૂક્યા હતા. જે પૈકી 35 નેગેટિવ આવ્યા હતા. જ્યારે એક પોઝિટિવ આવ્યું હતું. જે રાજકોટનું સેમ્પલ હતું. બાકીના નવ સેમ્પલોની રાહ જોવાઇ રહી છે.