Corona Update Live Gujarat / કોરાનાના વધુ 3 કેસ નોંધાતા રાજ્યમાં કુલ 5 પોઝિટિવ, બધા કેસ વિદેશથી આવેલા લોકોમાં જોવા મળ્યાં

Corona

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ અઢીગણી વધીને આજે 5 થઈ ગઈ છે. અમદાવાદની 2 મહિલા અને વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું છે કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી.

– અમદાવાદમાં જે કેસ બે પોઝિટિવ આવ્યા હતા તે બંને દર્દી ઘરમાં જ હોમ આઇસોલેશનમાં હતા એટલે વધુ કોઈ વ્યક્તિ સુધી પહોંચ્યો હોય તેવી શકયતા ઓછી જણાય છે

કોરોના પોઝિટિવ કેસની બન્ને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની

અમદાવાદના પોઝિટિવ કેસની બન્ને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે. એક ન્યુયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી અને મુંબઇ થઇ ફ્લાઈટમાં અમદાવાદ પહોંચી હતી. ન્યૂયોર્કથી આવેલી મહિલા 14 માર્ચે આવી હતી. 3 દિવસ ઘરે રહ્યાં બાદ 17મીએ SVPમાં દાખલ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદ 13મી માર્ચે આવી હતી અને 16મી માર્ચે SVPમાં દાખલ કરવામાં આવી છે.
તમામ પોઝિટિવ દર્દીની વય 35થી ઓછી, આઈસોલેશનમાં રખાયા

આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદના યુવતી કે જે 14 માર્ચના રોજ ન્યૂયોર્કથી વાયા મુંબઈ ફ્લાઈટમાં આવી હતી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જ્યારે સ્પેનથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. જો કે, આ તમામ દર્દીઓની વય 35 વર્ષથી ઓછી છે. આ તમામને જે-તે જિલ્લામાં ખાસ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ અત્યારે તેઓ આઈસોલેશન વોર્ડમાં છે અને બધાની હાલત સ્થિર છે.
તમામ પોઝિટિવ દર્દીઓના પરિવારજનો પણ ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં

કોરોનાના ઈલાજ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હૂ) અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આ પાંચેય પોઝિટિવ દર્દીના પરિવારજનોને ફરજિયાત ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે. રાજ્ય સરકારે કરેલી અલાયદી વ્યવસ્થામાં આ તમામ પરિવારજનોને હાલ ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જણાવતા જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, પરિવારજનોની હાલત પણ સ્થિર છે. તેઓ કેટલા લોકોના સક્રિય સંપર્કમાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો વધુ લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં રખાશે.
અત્યારસુધીમાં 150 સેમ્પલ મોકલ્યા, 123 નેગેટિવ-22ના પરિણામ પેન્ડિંગ

આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં 150 કોરોના શંકાસ્પદોના સેમ્પલ એકત્ર કરીને પૂણે સ્થિત એનઆઈવીને મોકલી અપાયા છે. આમાંથી 5 સેમ્પલ ટ્રિપલ ટ્રાયલમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે 123 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 22 સેમ્પલમાં હજી પણ શંકા જણાઈ હોવાથી તેના પરિણામો પેન્ડિંગ છે. અમદાવાદ સિવિલના દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોનાના સેમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટિંગ માટે મોકલાય તેમાં 3 પ્રકારની ગૂંચવણ ઊભી થાય છે. કેટલાક સેમ્પલ અનિર્ણાયક આવે છે એટલે કે તે પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી હોતા. પરંતુ રિસેમ્પલ એનઆઈવીને મોકલાય છે, જ્યારે કેટલાક ફોલ્સ પોઝિટિવ પણ આવે છે.
બે દિવસમાં એરપોર્ટ પર આવેલા 559 ટ્રાવેલર્સમાંથી 63ને ક્વોરેન્ટાઈન કરાયા

અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે આવેલા 559 ટ્રાવેલર્સમાંથી 63ની સ્થિતિ શંકાસ્પદ જણાતા તેમને ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ક્વોરેન્ટાઈનમાં રખાયા હોવાનું જયંતિ રવિએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આમાંથી 492 ટ્રાવેલર્સને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે એટલે તેમણે તેમના ઘરે આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ છતાં દરરોજે 2થી 5 લોકો હોમ ક્વોરેન્ટાઈનનો સરેરાશ ભંગ કરતા હોવાનું જણાયું છે. આવા લોકોને પછી ધરપકડ કરીને ફરજિયાત ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જવાય છે. હજી પણ વધુ લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જઈ શકાય છે તેવી તેમણે શક્યતા દર્શાવી હતી.
ક્વોરેન્ટાઈન માટે કોરોના શંકાસ્પદોને બે પ્રકારની સુવિધાની ઓફર

ભારત અને ખાસકરીને ગુજરાત રાજ્ય કોરોના સંક્રમણના હાલ ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ગુજરાત સરકાર કોરોનાના શંકાસ્પદ દર્દીઓને બે પ્રકારની ક્વોરેન્ટાઈન સુવિધા ઓફર કરી રહી છે. આમાં પે એન્ડ યુઝ ક્વોરેન્ટાઈન અને બીજી હોસ્ટેલ પ્રકારની ક્વોરેન્ટાઈન સુવિધા છે. આ માટે દર્દીને તમામ પ્રકારની સુવિધાઓ અપાય છે. જો કે, આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, તમામ ટ્રાવેલર્સને હાથ પર સ્ટેમ્પ લગાવીને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે જેથી કોરોનાનો ચેપ પ્રસરે નહીં.

ગુજરાતમાં 5 પોઝિટિવ કેસ

અમદાવાદ-2

વડોદરા-1

રાજકોટ-1

સુરત-1
ગુજરાતમાં પાન મસાલાની દુકાનો, મોલ, પાર્ટી પ્લોટ સહિતના જાહેર સ્થળો બંધ
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાચવેતીના ભાગરૂપે કેટલાક પગલા હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. સુરતમાં મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ,રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. રાજકોટમાં થીએટર, મોલ, 170 બગીચા, રેસકોર્સ ગ્રાઉન્ડ, પાનના ગલ્લા, ચાના થડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત રાજ્યભરના મોટાભાગના મંદિરો બંધ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ તમામ મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *