રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ : રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસના મંત્રીશ્રી રમણલાલ પાટકરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ શ્રીએ ગત વર્ષે જૂલાઈ માસમાં હરીહર વન સોમનાથ ખાતે બોરસોલી વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે આ વૃક્ષ ૩ ફૂટનું હતું. મંત્રીશ્રી રમણલાલે આજે હરીહર વન ખાતે આ બોરસોલી વૃક્ષની મુલાકાત લીધી હતી. એક વર્ષમાં આ બોરસોલી વૃક્ષની લંબાઈ ૧૨ ફૂટ જેટલી થઈ છે. ઉપરાંત મંત્રીશ્રી અને મહાનુભાવોએ હરીહર વનમાં પારસ પીપળો, ઉંબરો, વડલો સહિતના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.
મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી જણાવ્યું હતું કે, ગત વર્ષે અહીયા હરીહર વનમાં મારા હસ્તે બોરસોલી વૃક્ષનું રોપણ કર્યું હતું જે આજે ૧૨ ફૂટનું થતા આનંદ અનુભવુ છું. દરિયા કિનારાની એકદમ નજીક હરીહર વન હોવા છતા અહિંયા સારી રીતે વૃક્ષોનો ઉછેર અને માવજત થાય છે. આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં ઉંબરો વૃક્ષ માનવજાત માટે ખુબ ઉપયોગી નિવડશે. મંત્રીશ્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે અગ્રણીશ્રી મહેશભાઈ ભટ્ટ, રાજુભાઈ હાલાણી, વિજયભાઈ સોલંકી, ડી.સી.એફ. સોભિતાબેન અગ્રવાલ, આર.એફ.ઓ.રાજલબેન પાઠક, ફોરેસ્ટ પી.કે.મોરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.