રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામમાં તાર-ફેન્સીંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા લોકડાઉનમાં તાર-ફેન્સીંગ કામગીરી દરમિયાન ગ્રામજનો અને પોલિસ વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બનવા પામ્યા હતા.ગુજરાત કોંગ્રેસના આદીવાસી ધારાસભ્યોએ પણ આ મામલે આંદોલન કર્યું હતું તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ સીએમ રૂપાણીને પત્ર લખી આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવા રજુઆત કરી હતી.આ તમામ ઘટનાક્રમ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમે તાર-ફેન્સીંગ કામગીરી સ્થગિત રાખી હતી.તો બીજી બાજુ સરદાર સરોવર નર્મદા નિગમે જ્યાં જ્યાં તાર-ફેન્સીંગ કર્યું છે એ જગ્યાએ ફેન્સીંગ ખુલ્લું કરવાની માંગ ત્યાંના આદિવાસીઓ કરી રહ્યા હતા.
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગોરા ગામના સરદાર સરોવર નર્મદા નિગમની જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કરનાર વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકના ફરિયાદ નોંધાઈ છે.કેવડિયા વહીવટીદાર કચેરીમાં નાયબ મામલતદાર વિપુલ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોરા ગામના દિનેશ નરસિંહ તડવી ટ્રેક્ટર નંબર GJ ૨૨ A ૪૪૧૯ દ્વારા ગોરા ગામના ડ્રાયવર ચેતન જગદીશ તડવી પાસે ગોરા ગામમાં આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની નવા સર્વે ૧૨૨ ના ૨૭ અ ની પડતર જમીનમાં ફેન્સીંગ વાડ કરી હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશી ખેડાણ કર્યું હતું.નાયબ મામલતદારની ફરિયાદને આધારે ગરુડેશ્વર પોલીસે દિનેશ નરસિંહ તડવી અને ચેતન જગદીશ તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી બાજુ આ ફરિયાદના આરોપી ગોરા ગામના દિનેશ નરસિંહ તડવીએ જણાવ્યું હતું કે આ જમીનમાં પારિવારિક વિવાદ ચાલે છે.અમને તો ખબર પણ નહોતી અને અમારી એક સંબંધી નિગમ પાસેથી પૈસા લઈ આવ્યા હતા.આ જમીનના એવોર્ડમાં મારા પિતાનું નામ છે.જ્યારે આ જમીનમાં સર્વે કામગીરી દરમિયાન અધિકારીઓએ જ મને કહ્યું હતું કે તમે ખેડાણ કરો તો કોઈ વાંધો નહિ એટલે જ મેં ખેડાણ કર્યું.રોજી રોટી માટે અમારી પાસે કોઈ સાધન નથી, હવે અમે ખેડાણ પણ બંધ કરી દીધું છે, મારે તો ખેડાણનો ખર્ચો પણ માથે પડ્યો.