રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કેવડીયાકોલોની : ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી હાલ એટલે કે જૂનની મધ્યમાં 127.70 મીટર થઈ છે જે આ સીઝનની સહુથી મહત્તમ સપાટી છે ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચાલતા ટર્બાઇનને કારણે આજે પણ 29740 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે. જેને કારણે કુલ 29187 ક્યુસેક પાણીની જાવક થી થઈ છે, આવક અને જાવક સરખી રહેતા હાલ નર્મદા બંધની જળ સપાટી સ્થિર છે. પરંતુ હાલ જે નર્મદા બંધના જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે. એટલે કે ગઈ સીઝનના સારા વરસાદના પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ રહેતા ડેમમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત થઇ રહ્યો છે. ગુજરાતને આ વીજ ઉત્પાદન માંથી 16 ટકા, મધ્ય પ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. હાલમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી આપવામાં આવે છે.
નર્મદા માઇનોર કેનાલ થકી પીવા માટે 1926 ક્યુસેક, SBC માં 3005 ક્યુસેક, KBC માં 625 ક્યુસેક અને સૌની યોજનામાં 1283 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે. જ્યારે બ્રાન્ચ કેનાલ નર્મદાના કમાન્ડ વિસ્તારમાંથી ઉદ્યોગોને 106 ક્યુસેક રાજસ્થાનમાં 410 ક્યુસેક પાણી તથા ઉત્તર ગુજરાતની પાઈપલાઈન ટેન્ક ફિટિંગમાં કુલ 1082 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે આમ નર્મદા મેઈન કેનાલ માંથી કુલ 7592 પાણી સપ્લાય થઈ રહ્યું છે.