રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
અગાઉ એક વર્ષ પહેલાં પણ આ મુદ્દે કલેકટરને આવેદન અપાયું હતું. છતાં કોઈ પગલાં લેવાયાં નથી. શહેરના દરબાર રોડ, ભાટવાડા, સોનિવાડ સહિતના ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી અને પંદર વીસ મિનિટ જ પાણી આવી રહ્યું છે. તેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે.
રાજપીપળા નગરપાલિકાના કથળી ચૂકેલો વહીવટ નગરજનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. જેમાં આશાપુરી મંદિર પાછળ આવેલા લિલોડીયા ફળીયામા છેલ્લાં દોઢ વર્ષથી પુરતાં પ્રમાણમાં પાણી આવતું જ નથી. ઘર ની અંદર ના નળમા પાણી આવતું નથી, બહાર ના નળે થી મહીલાઓને પાણી ભરવું પડે છે. અને માત્ર પંદર કે વીસ મિનિટ જ પાણી આવતું હોવાથી ઘરના અન્ય કામો થતા નથી તથા પીવાનું પાણી પણ પુરતું ભરી શકાતું નથી. તેવો બળાપો આવેદનપત્ર આપવા આવેલી મહીલાઓએ ઠાલવ્યો હતો. જોકે નગરપાલિકામાં આ મુદ્દે વારંવાર રજુઆતો કરવા છતાં સત્તાધીશોના પેટ નુ પાણી હાલતું નથી તેમ પણ મહિલાઓએ જણાવ્યું હતું.
જોકે આ સમસ્યા ફક્ત લીલોડિયા ફળીયામાં નથી પરંતુ શહેરના દરબાર રોડ, ભાટવાડા, સોનિવાડ સહિત ના ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસર થી અને પંદર વીસ મિનિટ જ પાણી આવવાની ફરિયાદ સંભળાઈ રહી છે. આ વિસ્તારના લોકો એ પણ અગાઉ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. જ્યારે અમુક વિસ્તારોમાં પાણીની રેલમછેલ જોવા મળે છે તેમ પણ જાણવા મળ્યું હતું.