વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીના વિદેશી દારૂના નેટવર્કનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. જી.આઇ.ડી.સી.માં વિદેશી દારૂનું કટીંગ થતું હતું. તે જ સમયે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ લેવા માટે આવેલા 10 કેરીયરોને 24.90 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો બીજી બાજુ ભરૂચ ક્રાઇમ બ્રાંચે વડોદરાના કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણનો રૂપિયા 56.88 લાખના મુદ્દામાલ સાથે 4 કેરીયરોની ધરપકડ કરી હતી.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચને મકરપુરા જીઆઇડીસીમાં લાલુ સિંધીનો દારૂ આવ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ કાર, એક આઇસર ટેમ્પો તેમજ વિદેશી દારૂનો જથ્થો મળીને 24.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે વિદેશી દારૂ લેવા માટે આવેલા કેરીયરો સહિત 10 બુટલેગરોની ધરપકડ કરી હતી. જોકે, સુત્રધાર લાલુ સિંધી મુકેશ ધોબી હાથ લાગ્યા ન હતા.
મોડી રાત્રે ઝડપાયેલા બુટલેગરોમાં હેમંત ઉર્ફ બાબુ નાનકરામ સચવાણી (રહે. વારસીયા), ધર્મેન્દ્ર સંપતસિંહ ચૌહાણ (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ), સતીષ ઓમપ્રકાશ પ્રજાપતિ (રહે. તરસાલી), દિનેશ ગીરધારીલાલ દલાણી (રહે. વારસીયા), રાજા અનવર મિરઝા (રહે. એકતાનગર, આજવા રોડ), આરીફ શેખ (રહે. લક્ષ્મીનગર), રઇસ હુસેન વાણીયાવાલા (રહે. રામરહીમ પાર્ક, આજવા રોડ), સદ્દામ મકબુલ મન્સુરી (રહે. નુરાની મહોલ્લો, આજવા રોડ), અંજુમ મુનીર શેખ (રહે. એકતાનગર, આજવા રોડ) મુકેશ નારાયણદાસ મખ્ખીજાની (રહે. તરસાલી)નો સમાવેશ થાય છે.