પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં ફોટો સ્ટુડિયો ચલાવતા દિગ્વિજયસિંહ લાકોડ અને આજ ગામના સંગ્રામસિંહ ઠાકોર નામના બે ભેજાબાજ ઈસમો દ્વારા શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામમાં આવેલ સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈ.ના બોગસ સર્ટિફિકેટ બનાવી વેચી રહ્યા હોવાની પંચમહાલ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસે નદીસર ગામમાં બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી આઈ.ટી.આઈ.ના ફીટર ટ્રેડની ૧૭ જેટલી બોગસ માર્કશીટ મળી આવી હતી.જે અંગે પોલીસે પુછપરછ કરતા સ્થળ પર હાજર યુવકો કોઈ જવાબ આપી શક્યા નહોતા જે બાબતે પોલીસે આકરી પૂછપરછ કરતા બંને યુવકો છેલ્લા ઘણા સમયથી ગામ નજીક આવેલ મોરવા(રેણાં) ગામની સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈ.ના બોગસ સર્ટિફિકેટ પોતાના સ્ટુડિયોમાં એડિટ કરી કલર પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢી વેંચતા હોવાનો ખુલાસો કર્યો હતો.બંને ભેજાબાજોમાંથી સંગ્રામસિંહ ઠાકોર પહેલા આ જ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતો હતો, જેથી તેને આ સંસ્થા અંગેની સઘળી માહિતી હતી અને અન્ય ભેજાબાજ દિગ્વિજયસિંહ ફોટો સ્ટુડિયો ચલાવતો હોય કોમ્પ્યુટરમાં નિષ્ણાંત હતો, જેથી બંને એ ભેગા મળી શોર્ટકટમાં રૂપિયા ભેગા કરવાની તરકીબ અજમાવી અને બનાવી કાઢ્યા ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ…બંને યુવકોએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબુલ્યું હતું કે માર્કશીટ બનાવવા માટે ભેજાબાજો ભળતા નામ અને ફોટાનો ઉપયોગ કરતા હતા જેથી કોઈ શક ન કરી શકે.
એસ.ઓ.જી. પોલીસની ટિમને સ્થળ પરથી આઈ.ટી.આઈ.માં ચાલતા ફીડર ટ્રેડના ૧૭ જેટલા નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા હતા.પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા રેડ કરેલ જગ્યાએથી ૧૭ જેટલી માર્કશીટ સહિત લેપટોપ,સિપિયુ,મોનીટર સ્કેનર અને પ્રિન્ટર સહિત રૂપિયા ૨૪,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આ સમગ્ર કૌભાંડ કરનાર નદીસર ગામના બંને યુવકો સામે કાંકણપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી ઘરપકડ કરી છે.