સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વડોદરામાં દુબઇથી આવેલા દંપતી સહિત 5 વિદેશીઓને સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે તેઓના કોરોના વાઇરસની તપાસ માટેના જરૂરી સેમ્પલો લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
દંપતીને ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાયું
એક દંપતી દુબઇથી વડોદરા આવ્યું હતું. જેઓને ગોત્રી ખાતેના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અને કોરોના વાઇરસને લગતા તેઓના બ્લડ સહિતના સેમ્પલો લઇ અમદાવાદ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરીકાથી આવેલા 62 વર્ષિય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી તેમજ શ્રીલંકાથી આવેલા 62 વર્ષિય વૃદ્ધાને સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની તપાસ માટે સેમ્પલો લઇને તપાસ માટે મોકલાયા
સયાજી હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે વિદેશથી આવેલા તમામ લોકોને માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અને સાવચેતીના ભાગરૂપે કોરોના વાઇરસની તપાસ માટે જરૂરી સેમ્પલો લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આજે પણ સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં શરદી-ખાંસીના દર્દીઓ તપાસ માટે આવ્યા હતા.