મંદિર ટ્રસ્ટના મેનેજર કહે છે કે, ભક્તોના આરોગ્યના હિતમાં આ નિર્ણય લેવાયો છે, જેથી ભક્તો ઓનલાઇન દર્શન કરીને સહયોગ આપે
વડોદરા ડભોઇ તાલુકાના કરનાળી ગામમાં પવિત્ર નર્મદા નદીના કિનારે બિરાજતા કુબેર ભંડારી મંદિર 8 જૂનથી નહીં ખોલવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટે કર્યો છે. 22 જૂન સુધી ધીરજ ધરવા અને સહયોગ આપવા કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે, ત્યાં સુધી ઓનલાઇન દર્શનની વ્યવસ્થાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અનલોક-1ના નિયમો પ્રમાણે 8 જૂનથી તકેદારીઓ સાથે મંદિરો ખોલવાની અનુમતિ આપી છે, પરંતુ, ટ્રસ્ટે ભાવિક ભક્તો ચેપમુક્ત રહે અને સહુનું આરોગ્ય જળવાય તે માટે 22મી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ભક્તો અને દર્શનાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં મંદિર સંકુલ નાનું છે એવો ઉલ્લેખ કરતાં ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભક્તો સંક્રમણના જોખમથી મુક્ત સુરક્ષિત દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, સેનેટાઈઝર સ્ટેન્ડ ઇત્યાદિની સુવિધા મળે અને સુરક્ષિત દર્શન શક્ય બને એવી તકેદારી સાથેની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી ચાલુ કરી છે. ટ્રસ્ટ સહુ તંદુરસ્ત અને નિરોગી રહે એવી દાદાને પ્રાર્થના કરે છે. ભક્તોના આરોગ્યને નુકસાન થાય એ ભગવાનને પણ ગમે નહીં. ગ્રામ્ય વિસ્તાર હજી મોટેભાગે કોરોનાના ચેપથી મુક્ત છે. એવા સંજોગોમાં તકેદારીના પગલા તરીકે ટ્રસ્ટ દ્વારા હાલમાં મંદિર ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહુ આ હિતકારી નિર્ણયમાં સહયોગ આપશે એવી એમણે અપેક્ષા વ્યક્ત કરી છે.