સ્મિથ, વોર્નર, કમિન્સ અને મેક્સવેલ સહિતના ઓસ્ટ્રેલિયાના ૧૭ ક્રિકેટરો આ વર્ષની આઇપીએલ સિઝનમાં કદાચ રમતાં જોવા ન મળે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેમના ક્રિકેટ બોર્ડ મારફતે તમામ ખેલાડીઓને સલાહ આપી છે કે, તેઓ હાલની પરિસ્થિતિ જોતાં તેમની વિવેક-બુદ્ધિથી જાતે નિર્ણય લે કે, આઇપીએલ રમવા માટે ભારત જવું કે નહી.
ઓસ્ટ્રેલિયન બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ કેવિન રોબર્ટે કહ્યું કે, અમે ખેલાડીઓને સલાહ પુરી પાડી શકીએ છીએ. અમારા ખેલાડીઓ વ્યક્તિગત રીતે આઇપીએલ સાથે કરારબદ્ધ છે. તેમાં અમારી ભૂમિકા નથી. આવનારા દિવસોમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલમાં રમવા માટે જવાની તૈયારી શરૃ કરશે અને તેમને અમારા મતંવ્યની જરુર પડશે, જે માટે અમે તેમને સલાહ આપી છે.
ઈંગ્લેન્ડમાં રમાનારી હન્ડ્રેડ્સ ટુર્નામેન્ટમાં પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મોકલવા કે નહી તેની વિચારણાં ઓસ્ટ્રેલિયન બોર્ડે શરૃ કરી છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કમિન્સ તાજેતરની હરાજીમાં રેકોર્ડ ૩૨ લાખ ડોલરમાં વેચાયો હતો, જેને કોલકાતાની ટીમે ખરીદ્યો હતો. મેક્સવેલને ૨૨ લાખ ડોલરમાં પંજાબની ટીમે કરારબદ્ધ કર્યો હતો. આ ઉપરાંત અન્ય ખેલાડીઓ પણ જંગી રકમના કરારો ધરાવે છે.