રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
વીજબિલમાં સરકારની રાહતની જગ્યા અણધાર્યા વીજબીલોથી પ્રજામાં ભરેલો અગ્નિ
વૈશ્વિક મહામારી કોરોનાના પગલે સરકારે જાહેર કરેલા લોકડાઉનના સમયગાળામાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં છેલ્લા બે માસથી વીજબીલો બનાવવાની કામગીરી બંધ હતી. પરિણામે અનલોક-૧ માં ચાર માસના વીજબીલો આપવાની એમજીવીસીએલએ શરૂઆત કરી. પ્રજાજનોને આ મહામારીમાં વીજ તંત્ર પાસેથી રાહતની અપેક્ષા હતી પણ તે અવળી સાબિત થઇ લોકોમાં નિયમિત બીલની જગ્યાએ આડેધડ બમણા બીલો આવતા ભરેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હતા દરમિયાનમાં સરકાર દ્વારા અનેક રાહતો અને પેકેજની ઘોષણા કરવામાં આવી ત્યારે લોકોને વીજબિલમાં પણ રાહત મળશે તેમ જણાતું હતું પરતું વીજ તંત્રે તમામ આશાઓ પર પાણી ફેરવતા મોટા વીજબીલો ફટકારતા લોકોમાં દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ થઇ છે. વીજગ્રાહકોના નિયમિત બીલના સ્થાને વધારાના યુનિટના બીલો આપવામાં આવ્યા છે. લોકો કહે છે કે વીજબીલ બનાવનાર મીટરરીડીંગ કર્યા વગર મનસ્વી રીતે બીલ બનાવ્યા છે. મોટાભાગના તમામ ઘરોમાં અને દુકાનો બારોબાર બીલ બનાવી જતા રહ્યા છે. મોટું અને ખોટું વીજબીલ જોઈ કોઈ વીજગ્રાહક લુણાવાડા એમજીવીસીએની મુખ્ય કચેરીએ જાય અને ચેક કરાવે તો અનેક અખાડા પછી સુધારવામાં આવે છે. એમજીવીસીએલના બિલીંગ વિભાગ તરફથી તપાસ કરવા જનારને ઉડાઉ જવાબ આપવામાં આવે છે. ભૂલ તો થાય ઓછા ભરજો હમણાં સુધારો નહી થાય આવતા બીલમાં સુધરશે જેવા જવાબોથી મુશ્કેલીના સમયમાં વીજગ્રાહક પારાવાર પરેશાની ભોગવી રહ્યો છે. કોરોનાથી બચવા સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ જાળવવાની વાત થઇ રહી છે ત્યારે લુણાવાડાના વીજ તંત્રએ સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ જાળવી મીટર જોયા વગર ભાવપત્રક વાંચ્યા વગર બનાવેલા આડેધડ બીલથી મહામારીમાં રાહતના સ્થાને રક્તચાપ વધારવાનું કારણ બની રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ખોટા તમામ વીજબીલો સુધારવા ફરીથી મીટર રીડર મોકલવા માંગ ઉઠી રહી છે.
વીજબીલ ભરવાનો બહિષ્કાર કરવાની ફરજ પડશે…વીજ ગ્રાહક
એમજીવીસીએલ દ્વારા મીટર રીડીંગ કર્યા વગર આડેધડ બીલ આપ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો લોકડાઉનમાં ખુલી જ નથી તેમ છતાં ચાર મહિનાના સળંગ મોટા બીલ આપ્યા છે. ધંધા રોજગાર બંધ હતા તેવા સમયે વીજતંત્રએ આડેધડ બીલ આપી અમારી મુશ્કેલી વધારી છે. વીજ તંત્રએ ઘરે ઘરે અને દુકાને દુકાને ફરી મીટર રીડર બીલ સુધારવા મોકલે તેવી માંગ છે. નહીતર પ્રજાને વીજબીલ ભરવાનો બહિષ્કાર કરી અસહકારનું આંદોલન કરવાની ફરજ પડશે.
ટેરીફ સળંગ ગણ્યું છે
એમજીવીસીએલ દ્વારા કોરોના જેવી મહામારીના કારણે જાન્યુઆરી માસ પછી બીલ આવ્યું નથી છતાં માર્ચ માસના બીલમાં આગળના નવેમ્બર અને જાન્યુઆરી માસના બીલની સરેરાશ ગણેલ છે. જયારે એપ્રિલ અને મે મહિનાનું બીલ જાન્યુઆરી માસના રીડિંગમાંથી બાદ કરેલ છે. જેના કારણે ટેરીફના યુનિટના રેટમાં વધારો થવાથી નાગરિકોના બીલ વધારે આવે છે તો આ અંગે વીજ તંત્રે પ્રયત્નો કરવા જરૂરી છે.
બીલ સુધારવા ઓફીસનો સંપર્ક કરવો, રાકેશ શાહ નાયબ કાર્યપાલક ઇજનેર
વીજબીલ ભરવામાં લેટ થશે તો કોઈનું વીજ કનેક્શન કાપવામાં નહિ આવે જો કોઈના બીલમાં ભૂલ જણાતી હોય તો બીલ સુધારવા ઓફીસનો સંપર્ક કરશે તો ચેક કરી ભૂલ જણાશે તો સુધારી આપવામાં આવશે.