મૂળીઃ તાલુકાનાં સુજાનગઢ ગામમાં છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી ન આવતા ખરા ઉનાળામાં પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સુજાનગઢમાં પાણી અપાય તેવી સ્થાનિકો અને સરપંચ માંગ કરી રહ્યા છે.
લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો
મૂળી તાલુકામાં ઉનાળામાં અનેક ગામો પીવાનાં પાણીની સમસ્યા ભોગવે જ છે. અને નર્મદાનું પાણી જાણે નામ માટે જ આવતું હોય તેમ છતા પાણીએ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય છે. મૂળીનાં સુજાનગઢમાં ઉનાળાની શરૂઆતે જ નર્મદાવિભાગ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. પરંતુ આ પાણી મૃગજળ સમાન હોય તેમ છાસ વારે પાણી બંધ થવાનાં બનાવ સામે આવે જ છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી આપવામાં આવતુ ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને કાળા ઉનાળે પાણી મેળવવા રઝળપાટ કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા સુજાનગઢ માં નિયમિય પુરતા પ્રમાણમાં પાણી અપાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ અંગે સરપંચ ભુપતભાઇ ઉદેશાએ જણાવ્યું હતું કે સુજાનગઢમાં નર્મદાનું પાણી આવતું ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પીવાનું પાણી પહોચાડાય તેવી અમારી માંગ છે.