રિપોર્ટર: ગૌતમ વ્યાસ
દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાયેલી દુઘર્ટનામાં ઈજાગ્રસ્તોને રક્તદાન માટે ભરૂચની ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. ગત તારીખ ત્રીજી જૂનના રોજ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલા ભયંકર બ્લાસ્ટમાં થયેલી જાનહાનિ અને ઇજાઓના પગલે રેડક્રોસ બ્લડ બેન્કના ડો.ખીલવાણી તથા રશ્મિકાંતભાઈ દ્વારા રકતની અછતની જાણ કરવામાં આવતા સેવાભાવી કાર્યોમાં સદા અગ્રેસર રહેતા એડવોકેટ અને ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના અધ્યક્ષ યાસીન દાદાભાઈએ સોશ્યિલ મીડિયામાં મેસેજ વાયરલ કરતા આ માનવ સેવાના કાર્યમાં કોઇ પણ પ્રકારના નાતજાત કે ધર્મના ભેદભાવ વગર રક્તદાન માટે લોકો ઉમટી પડ્યા હતા. લગભગ ૮૦ થી વધારે યુનિટ રક્ત એકઠુ થયેલ હતું. ઉપરોક્ત સેવાભાવી કાર્ય માટે ડો.ખીલવાણી દ્વારા રક્તદાતાઓ, એનજીઓ ની અને મુખ્યત્વે ખિદમતે ખલ્ક ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.