સ્ટોકની ગણતરી અને હિસાબોની ચકાસણી ચાલુ હોવાથી કરચોરીનો આંક હજી વધશે
લોકડાઉન દરમિયાન ગુટકા, પાનમસાલા અને તમાકુની બનાવટોનું બ્લેકમાં વેચાણ થયુ હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ વડોદરા સહિત રાજ્યના આઠ શહેરોમાં ૩૦ સ્થળે દરોડા પાડી કાર્યવાહી શરૃ કરી હતી, જેમાં જીએસટી વડોદરા ડિવિઝનમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને રૃા. ૨૫ લાખથી વધુ રકમની જીએસટી ચોરી સામે આવી છે
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા સહિત ૩૭ વેપારીઓને ત્યાં ૫૭ સ્થળે દરોડા પાડયા હતા. દરોડા બાદ હાલમાં સ્ટોકની ગણતરી અને બીજા હિસાબો, બિલબૂકો વગેરેની ચકાસણી ચાલી રહી છે. તે દરમિયાન રૂ.૨૫ લાખથી વધુ જીએસટી ચોરી પકડાઇ છે. હજી ગણતરી ચાલુ હોવાથી આંક વધે તેવી શક્યતા છે.
ગોધરામાં પણ પ્રભુકૃપા એન્ટરપ્રાઇઝ ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. સાદા પાનમસાલા પર ૨૮ ટકા જીએસટી અને ૬૦ ટકા સેસ લેવાય છે, પરિણામે તેના પર અંદાજે ૪૫ ટકા ટેક્સનો બોજ આવે છે. આ ટેક્સની ચોરી કરવા બિનહિસાબી વેપાર કરવામાં આવે છે. વડોદરા ડિવિઝનના પ્રાર્શ્વનાથ એન્ટરપ્રાઇઝ, ઋત્વિ એન્ટરપ્રાઇઝ, રાજ એજન્સી, જોશી એન્ટરપ્રાઇઝ અને ઇન્દુપ્રસાર અંબાલાલ જોશીને જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.