ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩૦ વર્ષથી જૂના આવાસોની હાલત જર્જરિત થવા લાગી છે જેના પગલે કોઇ દુર્ઘટના ન બને તે માટે તંત્ર અચાનક જાગ્યુ છે. ચોમાસાની ઋતુ પહેલા વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. એક તરફ કોરોના કહેર તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ તેથી મકાનમાં રહેતા રહીશો ચિંતામાં મુકાયા.
વડોદરામાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીના તાબામાં વડોદરા ઉપરાંત આણંદ, નડિયાદ, ભરૃચ, અંકલેશ્વર જેવા મોટા શહેરોમાં બોર્ડના મકાનો આવેલા છે. આ મકાનો પૈકી ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક સ્કિમોના મકાનો વર્ષો થવાથી જર્જરિત થવા લાગ્યા છે. ગયા વર્ષે નડિયાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર અચાનક જાગ્યું હતું અને સમગ્ર રાજ્યમાં ૩૦ વર્ષથી જૂના હોય તેવા આવાસોના સ્ટેબિલિટિ રિપોર્ટ તૈયાર કર્યા હતાં.
ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો મરામતના અભાવે ખૂબ જર્જરિત થઇ ગયા છે. બોર્ડે જણાવ્યું હતું કે બોર્ડના મકાનોની મરામતની જવાબદારી જે-તે યોજનાના રહીશો અને એસોસિએશનની હોય છે, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મકાનો ખાલી કરી સલામત સ્થળે ખસી જવા અથવા મકાનોની મરામત કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટપણે રહીશોને કહ્યુ છે કે જો કોઇ જાનહાનિ થશે તો કચેરીની કોઇ જવાબદારી રહેશે નહી.
બોર્ડે તૈયાર કરેલા કોલોનીઓની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટિ અગાઉ ચકાસવામાં આવી હતી જેમાં અનેક મકાનો રહેવાલાયક નહી હોવાનું જણાયું હતું. વડોદરાના ગોરવા, ગોત્રી, નંદેસરી અને બાપોદ તેમજ નવજીવન વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૪૩૮૮ મકાનો ખાલી કરવા અથવા તાત્કાલિક મરામત કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે.