શહેરની સેન્ટ્રલ જેલ ખાતે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને શહેરના તાંદલજા વિસ્તારમાંથી પકડી પાડી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. તેને શહેરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં મનવરઅલી અબ્બાસઅલી સૈયદને આજીવન કેદની સજા થઈ હતી અને તેને શહેરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. તેને વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો અને ૧૧ એપ્રિલે તેને જેલમાં પરત હાજર થવાનું હતું. જોકે તે હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. મનવરઅલી શહેરના તાંદલજા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડને મળતાં પોલીસે દરોડો પાડી તેને ઝડપી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.