રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ પંથકમાં વાવાઝોડું આવતાં કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી.
દરિયા કિનારા નજીક આવેલા કેશોદ શહેરમાં વાવાઝોડાની અસર જણાઈ સદનસીબે જાનહાની ટળી.
કેશોદ શહેર-તાલુકામાં વાવાઝોડાની અસર જણાઈ આવી છે. બપોરે ચાર વાગ્યાથી અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. કેશોદ શહેરમાં વરસાદ સાથે કરા પણ પડયા હતા. કેરીના પાકને ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉનમાં થી મુક્તિ મળી હતી અને જનજીવન રાબેતા મુજબ બન્યું હતું ત્યારે મેઘરાજાએ મહેર કરતાં ફરીથી શહેરીજનો ઘરમાં પુરાઈ ગયાં હતાં. સદનસીબે કેશોદ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે કોઈ જાનમાલની કે માલ મિલકતની નુકસાની થઈ નથી. કેશોદ નગરપાલિકાનાં ઓફિસ સુપ્રીટેન્ડેડ પ્રવિણભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં મુશ્કેલીઓ સર્જાય તો પ્રાથમિક ધોરણે પહોંચી શકાય એ માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં વસતાં નાગરિકો એ વરસાદ ને કારણે કોઈ મુશ્કેલીઓ ઉભી થાય તો સત્વરે ફોન નંબર ૨૩૫૬૭૫ પર વિગતવાર માહિતી આપી જાણ કરવા જણાવ્યું છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધપાત્ર પડ્યો છે ત્યારે ખેડૂતો ખેતીનાં કામમાં લાગી જશે આજરોજ ભીમ અગિયારસ હોય બપોરે વરસાદ વરસતા ખુશી વ્યાપી ગઈ છે. કેશોદ શહેરમાં ખુશનુમા વાતાવરણ વચ્ચે યુવાનો બાઈકો લઈને પલળવા નીકળી પડ્યા હતાં. કેશોદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા વરસાદને કારણે કોઈ પ્રકારની નુકસાની થાય નહીં એ માટે સતત દરેક વિભાગના સંકલનમાં છે.