રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
નિગર્સ વાવાઝોડાના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં વીજળી સાથે ભારેથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી તા. ૨ અને ૩જી જૂન દરમિયાનના ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. તેથી આ દરમિયાન વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડતો હોય ત્યારે લોકો ઘરમાં જ રહે અને બહાર જવાનું ટાળે તે ઇચ્છનીય છે. છેલ્લા ત્રણેક વર્ષના આંકડા ધ્યાને લેવામાં આવે તો માલૂમ પડે છે કે સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. એથી વરસાદના સમયે કોઇએ બીનજરૂરી બહાર નીકળવું નહી.
કલેક્ટરશ્રીએ એમ પણ જણાવ્યું કે, કોઇ જગ્યાએ ખેડૂતોનો પાક પણ વાડીખેતરમાં ઉભો હશે. તેની આવા પાકની તુરંત લણણી કરી તેને પલળે નહીં એવી જગ્યાએ મૂકી દેવો. સાથે, માર્કેટ યાર્ડમાં ખુલ્લી પડેલી જણસી પણ સલામત સ્થળે ખસેડી લેવી.
તેમણે કહ્યું કે, હવામાન વિભાગની આગહી મુજબ આગામી ૨૦ કે ૨૧ જૂનથી ચોમાસ બેસવાની શક્યતા છે. તેથી તેને લગતી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જે તે વિભાગ સાથે બેઠકો યોજી આપત્તકાલીન આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે.