રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા અન્વયે તમામ સાવચેતીરૂપ કામગીરી પૂર્ણ – કલેકટરશ્રી
વાવાઝોડાંના પગલે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની એક ટીમ જાફરાબાદ ખાતે કાર્યરત
પી.જી.વી.સી.એલ. દ્વારા દરેક તાલુકા વાઇસ કવીક રિએક્શન ટિમ કાર્યરત
ભારે પવનના લીધે જો વિજપોલમાં નુકસાન થાય તો તેનો ત્વરિત ઉકેલ માટે પી.જી.વી.સી.એલ.ની ટિમ ખડેપગે તૈનાત
૩ જી જૂને રાજુલા અને જાફરાબાદના તમામ લોકો અતિ આવશ્યક કામ સિવાય ઘર બહાર ન નીકળવા કલેકટરશ્રીની અપીલ…
હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગુજરાત પર વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાને લઈને ૨-૩ દિવસથી હવામાનમા પણ ભારે પલટો થયો છે. વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા ન જવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના કલેકટરશ્રીએ વાવાઝોડા અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ૩ જૂનના રોજ વાવાઝોડાની આગાહી છે. હાલ તે ગોવા આસપાસ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે. અંદાજે ૩ તારીખે આ વાવાઝોડું મુંબઇ તેમજ દક્ષિણ ગુજરાતના જીલ્લાઓની વચ્ચેથી ફંટાશે. હવામાન વિભાગ દ્વારા આ બાબતે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જે અન્વયે ૨૩ ગામોને એલર્ટ કરાયા છે. જાફરાબાદ જે.ટી. પરથી દરિયામાં જતી તમામ બોટને પરત બોલાવવામાં આવી છે. પીપાવાવ પોર્ટ તેમજ જાફરાબાદ દ્વારા વોર્નિંગ સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે. દરેક ગામ માં હેલ્થની ટિમ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી પણ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જેથી જો લોકોને સ્થળાંતરિત કરવાની પરિસ્થિતિ ઉદભવે તો પણ જરૂરી સ્ટાફ સતત ત્યાં હાજર હોય.
ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી અને દવાઓના જથ્થો પૂરો પાડવાની સૂચના આપવામાં આવી છે. આર.એન.બી. સ્ટેટ દ્વારા ક્લસ્ટર લેવલે જેસીબી અને લેબરની ટિમો તૈનાત કરવામાં આવી છે . સાથોસાથ પી.જી.વી.સી.એલ. દ્વારા દરેક તાલુકા વાઇસ કવીક રિએક્શન ટિમ કાર્યરત કરવામાં છે. ભારે પવનના લીધે જો વિજપોલમાં નુકસાન થાય તો તેનો ત્વરિત ઉકેલ થઈ શકે. અમુક જગ્યાએ જો વધુ પવન વર્તાશે તો તેવા કિસ્સામાં તે લોકો પાવરનું પ્રિવેંટિવ શટડાઉન કરશે પરંતુ એ બાબતે ૨-૩ કલાક અગાઉથી સૌને જાણ કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તમામ સાવચેતીરૂપ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હાલ દરિયા કાંઠા વિસ્તારે આઈ.એસ.ઇ. ની કામગીરી અને વાવાઝોડાને લઈને જાગૃતિ લક્ષી પ્રચાર-પ્રસારની કામગીરી શરૂ છે. તમામ લોકોને વિનંતી છે કે, ૩ જી જૂને રાજુલા અને જાફરાબાદના તમામ લોકો અતિ આવશ્યક કામ સિવાય ઘર બહાર ન નીકળે. નીચાણવાળા વિસ્તારોમાં કે દરિયા કાંઠા નજીકના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકો પોતપોતાના સગાસંબંધીઓ ના ઘરે જ્યાં પાકા મકાનો ઉપલબ્ધ હોય તેમજ ઉચાણવાળા વિસ્તારમાં જતા રહે.
રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની એક ટીમ જાફરાબાદ ખાતે મોકલવામાં આવી છે. જે આજે રાત સુધીમાં અહીં પહોંચી જશે. અને સમગ્ર વાવાઝોડાની પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી અહીં તૈનાત રહેશે.